અમરેલી જિલ્લાના વડિયામાં બાળકોને ખીજાવા જેવી સામાન્ય બાબતમાં થયેલી કૌટુંબિક બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. મોટા સસરાના શબ્દોથી મનદુઃખ થતાં એક પરિણીતાએ પોતાના શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, વડિયામાં રહેતી પરિણીતાના બંને સંતાનો (દીકરો-દીકરી) સવારના નાસ્તા બાબતે તોફાન કરી રહ્યા હતા. આથી માતાએ બાળકોને શાંત રાખવા માટે તેમને ઠપકો આપ્યો હતો અને ખીજાયા હતા. આ બાબત ઘરે હાજર મોટા સસરાને પસંદ આવી નહોતી. મોટા સસરાએ પરિણીતાના સાસુને ઉદ્દેશીને કહ્યું હતું કે, આ છોકરાઓને ખીજાય છે, તેને તેના માવતરે મૂકી આવો. મોટા સસરાના આ શબ્દો સાંભળી પરિણીતાને અત્યંત લાગી આવ્યું હતું. આવેશમાં આવીને પરિણીતાએ ઘરમાં પડેલું કેરોસીનનું ડબલું લઈ પોતાના આખા શરીરે છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. આ ઘટનામાં પરિણીતા આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ એન ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.