ભારત અને ગુજરાતમાં હાલ એલપીજી ગેસની અછતનો સામનો કરવા લોકો મજબુર બનતા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ વડિયામાં છેલ્લા બે ત્રણ દિવસથી સવારથી જ ગેસ એજન્સીમાં લાઈનો લગાડતાં લોકોના ટોળાં જોવા મળી રહ્યા છે અને લોકો ઘર વપરાશ માટે ગેસની બોટલો લેવા પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં વડિયામાં આવેલી અલખદીપ ગેસ એજન્સી દ્વારા હોમ ડીલેવરી બંધ કરવામાં આવી છે. જે ગ્રાહક એજન્સી પર બોટલની તપાસ કરવા જાય તેને બોટલ જોતી હોય તો એજન્સીના ગોડાઉન પર જાતે લઇ આવવી પડશે તેવા ઉધ્ધતાઈભર્યા વર્તનથી વડિયા ગામના લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અમરેલી રોડ પર આવેલાં એજન્સીના ગોડાઉનથી વડિયા ગામમાં ગેસની બોટલ લાવવાના વૃધ્ધ લોકો કે વાહન વિહોણા લોકો સો સો રૂપિયા ભાડુ આપવા મજબુર બની રહ્યા છે. વાસ્તવમાં ગ્રાહક દ્વારા ગેસની બોટલ બુક કર્યા પછી ગેસ એજન્સીએ ગેસની બોટલની હોમ ડીલેવરી કરવાની હોય છે અને એ માટે નિયત કરેલું ભાડુ ગેસ એજન્સી વસુલતી હોય છે, પરંતુ વડિયાની એજન્સીના સંચાલકની મનમાની અને જો હુકમીથી લોકોને ગેસના સિલિન્ડરની હોમ ડીલેવરી મળતી ના હોવાથી લોકો હાલ લારીવાળાઓ પાસે લૂંટવા મજબુર બનતા જોવા મળી રહ્યા છે.