અમરેલી જિલ્લાને લેઉવા પાટીદાર સમાજનો ગઢ માનવામાં આવે છે. લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમા ખોડલધામ મંદિર અને ટ્રસ્ટ આ સમાજના લોકોને ધર્મ સાથે વિકાસ અને સેવાના ઉદ્દેશથી સામાજિક ઉથ્થાનની કામગીરી કરે છે. સમગ્ર રાજ્યમાં જ્યાં લેઉવા પાટીદાર સમાજની વસ્તી છે ત્યાં ખોડલધામ સંગઠન છે, આ સંગઠન સાથે જોડાયેલા વડિયાના પરેશભાઈ કોટડીયાના પુત્રના લગ્ન પ્રસંગે નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી ના શકવાને કારણે તેઓ ગઈકાલે તેમના નિવાસસ્થાને સામાજિક સબંધોરૂપી મહેમાન બન્યા હતા. આ સાથે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિની ટીમ પણ મેહમાન બની હતી અને કોટડીયા પરીવારના નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે વડિયા વિસ્તારના આગેવાનો, સ્થાનિક વેપારીઓ સાથે પણ સામાજિક ચર્ચાઓ કરી હતી. આ મુલાકાતમાં નરેશભાઈ પટેલ સાથે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ, જેનીબેન ઠુંમ્મર, ધર્મેન્દ્ર પાનસુરીયા, રવજીભાઈ પાનસુરીયા, મનીષ ઢોલરીયા અને ભીખુભાઇ વોરા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.










































