વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન, તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ? ૧૯,૮૦૬.૯ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ૧૦,૯૨૧ કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન,જીઆઇડીસી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના ૮૮૮૬ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
વાવ-થરાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્રીથી રહેશે.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન છે. આગામી ૩૧ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાવડાના ઇઈ પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના ૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (કુલ ૩૬૪૫ કરોડના ખર્ચે) કરવા જઇ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા હજારો મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું રાષ્ટીય ગ્રીડ સાથે અસરકારક જાડાણ સુનિશ્ચિત કરવામાં આવશે, જેના કારણે હરિત ઊર્જાનો વ્યાપ વધશે અને ઊર્જા સુરક્ષા મજબૂત બનશે.
આ ઉપરાંત, ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ (૭૦૫ કરોડના ખર્ચે) અને ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું (૫૭૫ કરોડના ખર્ચે) ખાતમુહૂર્ત તેમજ અમદાવાદ-ધોલેરા પેકેજ ૧ (૧૨૯૮ કરોડના ખર્ચે), પેકેજ ૨ (૧૪૧૫ કરોડના ખર્ચે), પેકેજ ૩ (૧૦૩૪ કરોડના ખર્ચે) અને પેકેજ ૪નું (૧૩૫૮ કરોડના ખર્ચે) લોકાર્પણ કરવામાં આવશે. ભારત સરકારના રેલવે મંત્રાલયના ૮૯૧ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ગાંધીધામ-આદિપુર વચ્ચે ક્વાડ્રપલિંગ અને રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે કાનાલુસ-જામનગર ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.










































