સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી કરતી ટોળકીઓ હવે ગ્રામ્ય વિસ્તારોના વેપારીઓને નિશાન બનાવી રહી છે.
સાવરકુંડલા તાલુકાના વંડા ગામના એક વેપારી સાથે ઇન્સ્ટાગ્રામ પર ખેતીલક્ષી સામાનના નામે રૂ. ૧૬૨૫૦ની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. વંડા ગામે રહેતા વેપારી ગુલામઅહેમદ શાહબુદ્દીનભાઇ ખદરાણી (ઉ.વ.૪૯) એ ઇન્સ્ટાગ્રામ એપમાં “patel agro droi wala’’ ની ઝટકા મશીનની દોરી તથા FRP Stickની જાહેરાત કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબતેમણે ઇન્સ્ટાગ્રામ પર “પટેલ એગ્રો દોરીવાલા” નામની એક જાહેરાત જોઈ હતી. આ એડમાં દર્શાવેલા મોબાઈલ નંબર પર વેપારીએ સંપર્ક કર્યો હતો. સામે પક્ષે વાત કરનાર શખ્સે પોતાની ઓળખ પટેલ એગ્રોના પ્રતિનિધિ તરીકે આપી વિશ્વાસ કેળવ્યો હતો. વેપારીએ ખેતીમાં ઉપયોગી એવી ઝટકા મશીનની ૫૦ કિલો દોરી અને ૧૦૦ કિલો FRP સ્ટિકનો ઓર્ડર આપ્યો હતો. જેની કુલ કિંમત રૂ. ૧૬૨૫૦ નક્કી કરવામાં આવી હતી. આરોપીએ મોકલેલા સ્કેનર પર વેપારીએ ફોન-પે મારફતે પૂરેપૂરી રકમ ચૂકવી દીધી હતી. આરોપીએ વેપારીને ખાતરી આપી હતી કે આ સામાન બીજા જ દિવસે સાવરકુંડલાના જલારામ ટ્રાન્સપોર્ટ પર મળી જશે. જોકે, લાંબો સમય વીતવા છતાં સામાન ન પહોંચતા અને મોબાઈલ નંબર પર સંપર્ક ન થતા વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ ઠગાઈ કરવાના ઈરાદે જ સોશિયલ મીડિયામાં ખોટા નામે જાહેરાત મૂકી હતી. વંડા પોલીસે આ મામલે ગુનો નોંધી, મોબાઈલ નંબર અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ તેજ કરી છે. વંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.જે.રામાણી વધુ તપાસ કરી રહ્યા છે.










































