શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ થાય અને રાષ્ટ્રીય ભાવના જાગે તેવા ઉમદા હેતુથી પ્રતિવર્ષ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદ વિષયક રાજ્ય સ્તરીય લેખિત ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવે છે. આ વર્ષે યોજાયેલી ૧૪મી સ્વામી વિવેકાનંદ વિષયક ક્વિઝ સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાની શ્રી પી.પી.એસ. હાઈસ્કૂલ વંડાની ધોરણ ૧૦ની વિદ્યાર્થિની પરમાર મયુરી રાજુભાઈએ શાનદાર પ્રદર્શન કરી સમગ્ર અમરેલી જિલ્લામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તેને શિલ્ડ, સ્કૂલ કીટ, શ્રી વિવેકાનંદજીની તસવીર, મૂર્તિ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાને પણ શિલ્ડ તથા રૂ. ૩૬૦૦ના પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા.
પરમાર મયુરીની આ સફળતા બદલ શાળાની વિવેકાનંદ યુથ ક્લબના સંચાલક પ્રવીણભાઈ ઝીંઝુવાડીયા અને આચાર્ય સંજયભાઈ ચૌહાણે તેને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી. સમગ્ર શાળા પરિવારે “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્‌યા રહો” ના સૂત્ર સાથે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્‌વાન કર્યું હતું.