જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા નામાંકિત પાંચ વ્યકતીઓ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. ૨૦૧૯ માં કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી, જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૯ મુજબ, લેફ્ટનન્ટ ગવર્નર મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે બે સભ્યોની નિમણૂક કરી શકે છે જા તેમને લાગે કે મહિલાઓનું વિધાનસભામાં યોગ્ય રીતે પ્રતિનિધિત્વ નથી.
લેફ્ટનન્ટ ગવર્નરને કાશ્મીરી સ્થળાંતર કરનારાઓ અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાંથી વિસ્થાપિત વ્યકતીઓમાંથી નામાંકિત કરવાની મંજૂરી આપવા માટે ૨૦૨૩માં કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. આ પાંચ સભ્યોને અન્ય ધારાસભ્યો જેટલો જ અધિકાર અને મતદાન અધિકાર હશે. કોંગ્રેસે આ પગલાને લોકશાહી પર હુમલો અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રવિન્દર શર્માએ કહ્યું કે અમે વિધાનસભામાં પાંચ સભ્યોના નામાંકનનો વિરોધ કરીએ છીએ. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે તેમની પાર્ટી આ મામલે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આ સરકારની રચનાનો મામલો છે અને લોકોને નોમિનેટ કરવાનો સરકારનો અધિકાર છે.
પીડીપીના નેતા ઇલ્તેજા મુફ્તીએ આ પગલાને પ્રી-પોલ રિગિંગ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પાંચેય નામાંકિત સભ્યો ભાજપ સાથે જોડાયેલા છે. જા આ પાંચ સભ્યોને નોમિનેટ કરવામાં આવે છે, તો જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સંખ્યા વધીને ૯૫ થઈ જશે, સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો વધીને ૪૮ બેઠકો સુધી પહોંચી જશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સ્થાપના પુડુચેરી વિધાનસભાના મોડેલ પર કરવામાં આવી છે, જ્યાં ત્રણ નામાંકિત સભ્યો ચૂંટાયેલા ધારાસભ્યોની સમકક્ષ સેવા આપે છે. આ સ્થીતિમાં, લેફ્ટનન્ટ ગવર્નરની ભૂમિકા અને નોમિનેશનની પ્રક્રિયા પર ચર્ચા થવાની ખાતરી છે, જે રાજ્યની રાજકીય પરિસ્થીતિને વધુ જટિલ બનાવી શકે છે.