અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં સાયબર ગઠિયાઓએ વધુ એક વ્યક્તિને પોતાનો શિકાર બનાવ્યો છે. મુંબઈની SBI બેંકના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી, એક મહિલાના ક્રેડિટ કાર્ડમાંથી ગણતરીની મિનિટોમાં રૂ.૧,૬૨,૮૯૨ ઉપાડી લેવાતા ચકચાર મચી ગઈ હતી. વિશાલકુમાર માનસીંગભાઇ ચૌધરી (ઉ.વ.૨૪)એ ૯૩૦૫૭૭૬૯૪૨ વાળો અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી., જે મુજબ ગત તા. ૦૨/૦૪/૨૦૨૫ ના રોજ ફરિયાદીના માતાના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર (૯૩૦૫૭૭૬૯૪૨) પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર શખ્સે હિન્દી ભાષામાં વાત કરી પોતે મુંબઈની SBI બ્રાન્ચનો કર્મચારી બોલે છે તેવી ખોટી ઓળખ આપી હતી. તેણે ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તેમના માતાનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું છે.ક્રેડિટ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયાના બહાને ઠગબાજે ફરિયાદીના માતાના મોબાઈલ પર એક પછી OTP (વન ટાઈમ પાસવર્ડ) મોકલ્યા હતા. ફરિયાદીએ સાચી બેંકનો કર્મચારી સમજીને OTP આપી દીધા હતા. OTP મળતાની સાથે જ સાયબર માફિયાએ ક્રેડિટ કાર્ડના ખાતામાંથી ફરિયાદીની જાણ બહાર કુલ ૧૨ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને રૂ. ૧,૬૨,૮૯૨ની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદીએ આ બાબતે લીલીયા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે સાયબર ક્રાઈમની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. લીલીયા પોલીસ સ્ટેશનની પી આઈ એમ.ડી.સાળુંકે વધુ તપાસ કરી રહ્યા છે.









































