પ્રસ્તાવના: લીંબુ વર્ગના મોટા ભાગના ફળોમાં લીંબુનો પાક અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતમાં શીત-કટિબંધના પ્રદેશો સિવાય ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના બધા જ રાજ્યમાં વત્તા–ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે. ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં વ્યાપારિક ધોરણે લીંબુની ખેતી થાય છે. ગુજરાત રાજ્ય ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આપણા રાજ્યમાં લીંબુની ખેતી કરતા જિલ્લાઓમાં મહેસાણા, ભાવનગર, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ મુખ્ય છે. આ સિવાયના ભારે વરસાદ વિનાના તમામ જિલ્લાઓમાં વત્તા–ઓછા પ્રમાણમાં તેનું વાવેતર કરવામાં આવેછે. લીંબુના ફળ ઔષધીય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. લીંબુનો રસ કફ, આંખને હિતકારી, અતિ રૂચિકર, વાયુ, ઉધરસ, ઉલ્ટી, પિત્ત, આમવાત, કંઠરોગ, આમવાત તથા પેટના કૃમિનો નાશ કરે છે. લીંબુના સેવનથી હાડકાના સ્કર્વી નામનો રોગ, હૃદય રોગ, કેન્સર અને અજીર્ણના ઉપચાર કરી શકાય છે. આ ઉપરાંત લીંબુનો પાક ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનો છે. આ ઉપરાંત અથાણાં, લીંબુનો રસ, જામ, જેલી, માર્મલેડ, ઘટ્ટ રસ, લીંબુના ફૂલ, વિનેગાર જેવા ઉદ્યોગોના વિકાસમાં આ પાકનો ફાળો મુખ્ય છે. તદ્‌ઉપરાંત અનેક પ્રકારના ર્સૌદર્ય પ્રસાધનો, પરફ્યુમ, પોટ્‌પોરી વિગેરે લીંબુના રસ અને ફળની છાલમાંથી બનાવવામાં આવે છે.
હવામાન અને જમીન:
લીંબુના પાકને સમપ્રમાણ ઠંડી અને ગરમી માફક આવે છે. જયાં હવામાન સૂકું હોય તેમજ વરસાદ વધુ પડતો ન હોય તેવા વિસ્તારોમાં લીંબુની ખેતી સફળતાપૂર્વક થઈ શકે છે. વધારે પડતા ભેજવાળા હવામાનમાં તેમજ વધારે વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં રોગ–જીવાતનું પ્રમાણ વધે છે. ખાસ કરીને બળિયા ટપકાં અને ગુંદરીયો રોગ લાગુ પડે છે. આ પાકને ફળદ્રુપ સારા નિતારવાળી આશરે ૧–ર મીટર જેટલી ઊંડાઈવાળી, ગોરાડુ અને બેસર તેમજ મધ્યમ કાળી જમીન વધારે અનુકૂળ છે. જે જમીનનો પી.એચ. આંક પ.પ થી ૭.૦ ની વચ્ચે હોય તેવી જમીન સારી ગણાય છે. (ક્રમશઃ)