ગુજરાતમાં ચૈતર વસવાનો મુદ્દો હાલ ખુબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અપશબ્દો બોલી માર મારવાના પ્રકરણમાં જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. ૫ જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના  પરિવાર સહીત સમર્થકો તેમને જેલમાંથી છોડાવવા મેદાને આવ્યા છે અને દરેક જગ્યાએ કોઈને કોઈ રીતે રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ હવે ક્યાંક ચૈતર વસાવાને જામીન મામલે મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. એવું જાણવા મળી રહ્યું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાતમ-આઠમ સહિત તહેવારોના દિવસો હજુ જેલમાં જ ગાળવા પડશે. ૫ જુલાઈથી જેલમાં બંધ  ચૈતર વસાવાના સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. હવે જામીન અરજી મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. પરંતુ હવે જામીન અરજીમાં વકીલ બદલવાની માંગ થઇ જેના કારણે વધુ એક મુદ્દત પડી છે. જામીન અરજી પર સુનાવણી હવે આગામી ૨૮ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. એટલે હજુ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે.ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા કાંડમાં ધારાસભ્ય ૫ જુલાઈથી જેલમાં છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. સરકારી પક્ષે ચૈતર વસાવાને  જામીન નામંજૂર કરવા માટે અગાઉના કેસોની રજૂઆત કરાઈ હતી. અગાઉના વર્ષ ૨૦૨૩ ફોરેસ્ટ વિભાગના કેસમાં શરતી જામીન મળ્યા હતા. એડિશનલ સેશન કોર્ટમાં કેસ ચાલે છે. તેથી ચૈતર વસાવા એ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે.

થોડા દિવસો પહેલાં ડેડિયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની મળેલી બેઠક મળી હતી, જેમાં સરકારી અધિકારીઓ, હોદ્દેદારો ઉપરાંત આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા, એ વખતે ચૈતર વસાવાએ ઉશ્કેરાઈ જઇ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને કાચનો ગ્લાસ છુટ્ટો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ઘટનાને લઇ સંજય વસાવાએ ડેડિયાપાડા પોલીસમથકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી. જે ગુનામાં પોલીસે બાદમાં ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. જેથી ચૈતર વસાવાતરફથી નીચલી કોર્ટમાં જામીન અરજી પણ કરવામાં આવી હતી. જા કે, મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જેમાં ફરિયાદપક્ષના વકીલે હાજર થઇ જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ હાઇકોર્ટે જામીન અરજીની વધુ સુનાવણી ૨૮મી ઓગસ્ટ પર મુલતવી રાખી હતી.