લાઠી શહેરના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉભી કરવા માટે ધારાસભ્ય જનક તળાવિયાની આગેવાની હેઠળ રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. લાઠી શહેર ભાજપના આગેવાનો અને સ્થાનિક વેપારીઓના સંયુક્ત પ્રતિનિધિમંડળે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા સાથે મુલાકાત કરી લાઠીની GIDC સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરી હતી.આ રજૂઆતમાં લાઠી ખાતે તાત્કાલિક GIDC સ્થાપવાની અને જમીનના દરમાં યોગ્ય ઘટાડો કરવાની મુખ્ય માંગણીઓ ઉઠાવવામાં આવી હતી. ધારાસભ્ય જનક તળાવિયાએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, લાઠી વિસ્તાર ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ ભૌગોલિક સ્થાન ધરાવે છે અને અહીં નાના તેમજ મધ્યમ ઉદ્યોગો માટે વિશાળ સંભાવનાઓ છે. પરંતુ ઊંચા જમીન દરને કારણે ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો જમીનના દર અનુકૂળ બનાવવામાં આવે તો વધુ રોકાણકારો આકર્ષાશે અને સ્થાનિક યુવાનોને ઘરઆંગણે રોજગારી મળી રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ રજૂઆતને ગંભીરતાથી સાંભળીને સંબંધિત વિભાગોને પ્રાથમિકતાના આધારે અભ્યાસ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવાની ખાતરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લાઠીના વિકાસ માટે સરકાર સકારાત્મક હોવાનું જણાવ્યું હતું. આ સાથે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ નવા ઉદ્યોગોને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે જરૂરી સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લાઠી શહેર ભાજપ અને વેપારી મંડળે આશા વ્યક્ત કરી હતી કે GIDCની સ્થાપના અને જમીન દરમાં ઘટાડાથી સમગ્ર વિસ્તારનો આર્થિક વિકાસ ઝડપી બનશે. બેઠકના અંતે ધારાસભ્ય જનક તળાવિયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં લાઠી GIDC નો પ્રશ્ન હકારાત્મક રીતે ઉકેલાશે તેવી પૂર્ણ આશા છે.








































