અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ટ્રાવેલ્સની ઓફિસમાં કામ કરતા કર્મચારી પર પેસેન્જરો બેસાડવા જેવી સામાન્ય બાબતે કેટલાક શખ્સોએ હુમલો અને ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી હતી. આ અંગે દેવજીભાઇ સવજીભાઇ જાદવ (ઉ.વ.૪૬ એ સુરેશભાઇ તથા મહેશભાઇ ડાંગર સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, લાઠીમાં આવેલી ‘ગુરુકપા ટ્રાવેલ્સ’ની ઓફિસમાં ફરજ બજાવતા ફરિયાદી, ગત રાત્રિના દસેક વાગ્યાના અરસામાં બુકિંગ કરાવેલા પેસેન્જરોને બસમાં બેસાડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં આવેલા આરોપીઓએ અચાનક વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, ‘તારે આ પેસેન્જરોને બસમાં બેસાડવાના નથી.’ કર્મચારીએ આ અંગે સમજાવવાનો પ્રયત્ન કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીઓએ એકસંપ થઈ ફરિયાદી કર્મચારીને ઢીંકાપાટુ વડે શરીરે મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ મામલે ફરિયાદીએ લાઠી પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ મારામારી, ગાળાગાળી, ધમકી અને ગુનામાં એકબીજાને મદદગારી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રધુભા વાળા વધુ તપાસ કરી રહ્યા છે.