લાઠીમાં નગરપાલિકા દ્વારા અંદાજિત રૂ. ૫૦ લાખના ખર્ચે સુવિધાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનક તળાવીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિકાસ કામોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પેવરિંગ બ્લોક રોડ, કોમ્યુનિટી હાલ, સ્નાનઘાટ તેમજ અન્ય પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ તકે ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, લાઠી શહેરના વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરના દરેક વિસ્તાર સુધી વિકાસની સુવિધાઓ પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે. વિકાસ કામોમાં ગુણવત્તા અને સમયમર્યાદાનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ભુવા, નગરપાલિકાના પ્રમુખ, ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, પાલિકાના સદસ્યો, આગેવાનો, કાર્યર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.







































