લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પાડોશમાં રહેતા ચાર શખ્સોએ એક પરિવાર પર હુમલો કરી, લાકડીઓ વડે માર માર્યો હતો.બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. શાંતાબેન પુંજાભાઇ પાડા (ઉ.વ.૫૫)એ મયુરભાઇ મસરીભાઇ ડેર, મુકેશભાઇ મસરીભાઇ ડેર, રેખાબેન મુકેશભાઇ ડેર તથા મયુરભાઇના પત્નિ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાના ઘરના ધાબા ઉપર ઘઉં લેવા માટે ગયા હતા. આ સમયે પાડોશમાં રહેતા આરોપીઓ પોતાના ઘરે કોઈ બાબતે બોલાચાલી કરી રહ્યા હતા. તેમણે કુતૂહલવશ તે તરફ જોતા જ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ તેમના પર છૂટા હાથે ઈંટો ફેકી હતી અને પથ્થરના ઘા મારવાનું શરૂ કર્યું હતું. સાહેદ અનિલભાઈ અગાસી પર બચાવવા આવતા આરોપીઓએ તેમને પણ બિભત્સ ગાળો આપી હતી. તેમણે ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ લાકડી વડે જમણા ખભા પર મૂઢ માર માર્યો હતો.તેમજ ધક્કો મારી નીચે પછાડી દીધા હતા. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓએ ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મુકેશભાઇ મસરીભાઇ ડેર (ઉ.વ.૩૫)એ શાંતાબેન પુંજાભાઇ પાડા,પુંજાભાઇ દેવાયતભાઇ પાડા તથા અનીલભાઇ પુંજાભાઇ પાડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદ તેના ભાઇ પોતાના ઘરે બોલા ચાલી કરતા હોય તે શાંતાબેન પાડાએ તેના મકાનના ધાબા પર આવી તેમને તથા સાહેદને બોલવા લાગ્યા હતા. આરોપીઓ તેમને કહેલ કે બાધવું હોય તો નીચે આવું તેમ કહી સાહેદ મયુરભાઇના ઘર સામે શેરીમાં જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. લાકડી વતી તેમને મુંઢ માર માર્યો હતો. તેમજ સાહેદ મયુરભાઇને આડેધડ ઢીકાપાટુ વતી મારી મારી મૂઢ ઇજા કરી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.