વાડી માલિકને અંધારામાં રાખી ભાગીયાએ ગાંજાનું વાવેતર કરતા પોલીસ ત્રાટકી

પોલીસે ૧પ૬ કિલો ગાંજાના છોડ સાથે રૂ.૭૭.૯૩ લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અમરેલી જિલ્લામાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરનારાઓ પર પોલીસે ઘોંસ બોલાવી છે. અમુક ઈસમો પોલીસની આંખમાં ઘૂળ નાખી વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરી રહ્યાં છે. જા કે પોલીસને મળેલી બાતમીના આધારે લાઠી તાલુકાના મતીરાળા ગામેથી ગાંજાના છોડ સહિત એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાં એક ખેતરમાં કપાસના પાકની આડમાં વાવેલા ૧૫૫.૮૬૫ કિલો ગાંજાના છોડ સાથે એક આરોપીની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ. ૭૭,૯૩,૨૫૦ આંકવામાં આવી છે. આ અંગે એસઓજી પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમરેલી SP સંજય ખરાતની સૂચના અને એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે લાઠી તાલુકાના કેરાળા ગામ તરફ જતા રસ્તે આવેલા મતીરાળા ગામની સીમમાં બાબુ ડેરના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, છનાભાઈ પંચાલ (રહે. કેરાળા) નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ખેતરમાંથી આશરે લીલા ગાંજાના ૪૮ છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન ૧૫૫.૮૬૫ કિલોગ્રામ હતું. SOG દ્વારા આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપી છનાભાઈ પંચાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને લાઠી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે.

 

ગાંજાના વાવેતર બાબતે વાડી માલિક અજાણ
અમરેલી એસઓજી પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૧૦ વિઘા વાડી નિવૃત્ત આર્મીમેન બાબુભાઈ ડેરની છે પરંતુ આરોપી છના પંચાલે વાડી માલિકને અંધારામાં રાખી કપાસના છોડની વચ્ચે ૧૦ મીટરની ત્રિજયામાં ગાંજાનું વાવેતર કર્યું હતું. આરોપી છના પંચાલ છેલ્લાં ત્રણ કે ચાર વર્ષથી ભાગીયુ રાખીને કામ કરે છે. જો કે વાડી માલિકને અંધારામાં રાખી ગાંજાનું વાવેતર કર્યું હોવાનું આરોપી છના પંચાલે પોલીસને જણાવ્યું હતું.