લાઠી-અમરેલી હાઈવે પર ટોડા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવતી સ્વીફ્ટ કારે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા ૩૮ વર્ષીય યુવાનનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે ટોડા ગામે રહેતા ઘનશ્યામભાઇ વિઠૃલભાઇ ઝાપડીયા (ઉ.વ.૩૭)એ સ્વીફટ ફોરવ્હીલ રજી નં.GJ.03-PA-7882 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો અનુસાર, લાઠી તાલુકાના ટોડા ગામે રહેતા કનુભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા (ઉં.વ. ૩૮) પોતાનું મોટરસાયકલ (નંબરઃ GJ-03-JJ-2988) લઈને પોતાની વાડીએથી ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન લાઠી-અમરેલી હાઈવે પર અશોકભાઈના ઘર પાસે પહોંચતા, લાઠી તરફથી આવી રહેલી એક સ્વીફ્ટ કાર (નંબરઃ GJ-03-PA-7882) ના ચાલકે પોતાના હવાલાવાળી કાર પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી કનુભાઈના બાઈક સાથે ધડાકાભેર ભટકાવી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કનુભાઈને શરીરે નાની-મોટી અનેક ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






































