લાઠી તાલુકાના કેરાળા ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ ગામના વર્ષો જૂના અને ગંભીર એવા પૂરના પ્રશ્નને કાયમી ઉકેલવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગામની ભૌગોલિક સ્થિતિ અને નદીની નજીક આવેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને, તેમણે ગામની સુરક્ષા માટે રૂ. ૪૪ લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી અપાવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૪૪ લાખના બજેટમાં મજબૂત ઇઝ્રઝ્ર સ્ટ્રક્ચરની દિવાલનું નિર્માણ કરવામાં આવશે. આ દિવાલ વરસાદી સિઝનમાં પાણીની દિશા બદલીને ગામને સુરક્ષિત રાખશે તેમજ નદી અને નાળાના વધતા પ્રવાહને નિયંત્રિત કરવા માટે તકનીકી રીતે સજ્જ હશે. આ આયોજનથી ગ્રામ્ય વિસ્તારની વસ્તી, ખેતીની જમીન અને પશુધનને સુરક્ષા મળશે.
આ અંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, “કેરાળા ગામ મારા હૃદયની નજીક છે. અહીંના લોકો વર્ષોથી પૂરની સમસ્યાથી પીડાતા હતા. આજે આ દિવાલના નિર્માણને મંજૂરી મળતાં આનંદ છે કે હવે ગામ વધુ સુરક્ષિત બનશે. લોકોની સલામતી અમારી પ્રથમ પ્રાથમિકતા છે.” આ કાર્ય પૂર્ણ થવાથી ગામને કુદરતી આફતો સામે મજબૂત રક્ષણ મળશે અને ભવિષ્યમાં નદીકાંઠે વધુ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો થશે.










































