મહેસાણા જિલ્લા વિસનગરના કાંસાના દિનેશ પટેલે ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં આરોપી સુરતના પિતા-પુત્ર પટેલ જયંતિભાઈ અને કૌશિક પટેલે દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવીને અંદાજિત ૨૨ લાખ રુપિયા પડાવી લીધા હતા. આ કિસ્સામાં અર્પિત નામક એક વ્યક્તિએ નકલી આઇએએસ બનીને છેતરપિંડીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે વિસનગર પોલીસે અર્પિતને ઝડપીને જેલભેગો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ નકલી આઇએએસ ઓફિસર પાણી વેચનાર શ્રમિક હોવાનું સામે આવ્યું છે.
સુરતના જયંતિભાઈ પટેલ અને કૌશિક પટેલે વિસનગરના દિનેશ પટેલને ફોન કરી કહ્યું હતું કે, પોતાને ત્યાં ઇન્કમટેક્સ ની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા છે. પોતાની પાસે વકીલને આપવાના પણ પૈસા નથી. ત્યારબાદ દિનેશ પટેલ પાસેથી રૂ. ૨૧.૬૫ લાખ મેળવી લીધા હતા. પૈસાના બદલામાં આરોપીઓએ બીજા કોઈ વ્યક્તિની થાર ગાડી પણ આપી દીધી હતી. વળતા પૈસા માંગતા તેઓએ ચેક આપ્યા પણ ખાતામાં સ્ટોપ બેલેન્સ કરાવ્યું હોવાથી તે ક્લીયર થયા નહીં. આ કિસ્સામાં અમદાવાદના અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી નામના વ્યક્તિ પાસેથી ખોટી ઓળખાણ આપી રુ. ૭૯,૦૦૦ પણ પડાવ્યા હતા. જે સમગ્ર મામલે કુલ ૪ શખ્શો વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી જે નકલી આઇએએસ બન્યો હતો તેની વિસનગર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
વિસનગર પોલીસે ઝડપેલ અર્પિત કે જે પોતાને આઇએએસ તરીકેની ઓળખ આપતો હતો. તેની પોલીસે તપાસ કરતા તે કોઈ અધિકારી નહિ પરંતુ પાણી વેચતો શ્રમિક નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તે કૌશિક પટેલ અને જયંતિલાલ પટેલે લખી આપેલી સ્ક્રિપ્ટ મુજબ દિનેશ પટેલને ફોન કરીને આઇએએસની ધાક જમાવી પૈસા માંગતો હતો. એટલું જ નહિ તેને દિનેશ પટેલને પૈસાનો ફોટો પણ મોકલ્યો હતો કે મારી પાસે ઈન્કમટેક્સે સીઝ કરેલા ૩૦૦ કરોડ પડ્યા છે. એ છોડાવવા તમારા મિત્ર કૌશિક અને જયંતિભાઈને મદદ કરવા પૈસા આપો. હજૂ સુરતના પિતા-પુત્ર જયંતિ પટેલ અને કૌશિક પટેલ ફરાર છે. જેની વિરુદ્ધ પોલીસ તપાસ કરી શોધખોળ કરી રહી છે.