(૧) લાંચ કોણ નથી લેતું?
રક્ષિત વોરા (ગાંધીનગર)
માણસ.
(૨) તમને સૌથી લાંબુ બગાસું ક્યારે અને કેવડું આવ્યું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
અત્યારે તમારો સવાલ શરૂ થયો ત્યાંથી પૂરો થયો ત્યાં સુધી.
(૩) પંખો કેટલા ઉપર રાખવો જોઈએ?
રમાબેન પટેલ (અમદાવાદ)
હું તમને જીઈબીવાળો કે જેટકોવાળો લાગું છું?!
(૪) તમે બધા પ્રશ્નોના જવાબ આપી શકો છો. તો કહો જોઈએ અત્યારે મારા પર જે પંખો ફરે છે એ કેટલાની સ્પીડે ફરતો હશે?
દર્શન પટેલ (વડોદરા)
ઘેર હશો તો બે પર ફરતો હશે અને ઓફિસમાં હશો તો પાંચ પર ફરતો હશે!
(૫) દિવાળીએ ઘુઘરા ખાધા?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
ના, સૂંઘી સૂંઘી ને પાછા મૂકી દીધા.
(૬) દિવાળીએ ફટાકડા જાતે ખરીદીને ફોડ્‌યા કે બીજાએ ફોડ્‌યા એ જોઈને ચલાવી લીધું?
કનુભાઈ પરમાર (દામનગર)
જે માણસને ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય એને ફોડવામાં રસ ન હોય.
(૭) શાળામાં બાળક વોશરૂમ જવા માટે ટચલી આંગળી કેમ ઊચી કરે છે?
મહેન્દ્ર મકવાણા (કરજણ)
શિક્ષકોએ એ નિયમ બનાવ્યો છે. કારણ કે એક વખત એક છોકરાએ પાંચ આંગળી બતાવી અને પાંચ છોકરાં વોશરૂમ જતા રહ્યા હતા. ત્યારથી શિક્ષકોએ સામૂહિક બુકિંગ બંધ કરી દીધું છે.
(૮) હવે એકવાર તમે તમારા બધા જ વાચકોને અલગ અલગ પ્રશ્ન પૂછો તો?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
અલગ અલગ!
(૯) ચટણી અને આંબલીમાં શું ફરક?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
ચટણી ખાવાથી જીભ ડિસ્કો કરવા માંડે અને આંબલી ખાવાથી આંખ!
(૧૦) સાસુ ને વહુ એ બન્નેમાંથી સારું કોણ?
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
નિર્ણય જાહેર કરતાં પહેલા આપણે સસરાનો અભિપ્રાય લઈ જોઈએ.
(૧૧) સાહેબ..! સબરસમાં કેટલા રસ આવે..?
ધોરાજીયા ઘનશ્યામ એન (સાજણટીંબા)
ઉધરસમાં આવે એનાથી એક વધારે.
(૧૨) દિવાળી પછી બધા ઢીલાં કેમ પડી જાય છે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
બધા એટલે તમે ’એક’ની વાત જ કરો છો હે ને?!
(૧૩) સાહેબ..! તમને મંત્રીમંડળમાં સ્થાન મળે તો કેવું લાગે?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
મને થોડા થોડા દાંત આવે.
(૧૪) નમે તે સૌને ગમે એ સાચું છે ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
સૌને ગમે પણ એની પોતાની ’વૌ’ને ન ગમે.
(૧૫) લગ્ન પછી છોકરો પત્ની બાજુ બોલે કે મમ્મી બાજુ?
કટારીયા હિંમતભાઇ બી. (કીડી)
ડબલ ઢોલકી!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..