ભારતના વિવિધ રાજ્યોમાં ભૂકંપના આંચકા સતત વધી રહ્યા છે. શુક્રવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આંચકા અનુભવાયા હતા. આંચકાઓએ લોકોને ભયભીત કરી દીધા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર ગોંડા જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર રાજ્યના ગોંડા જિલ્લામાં હતું. ભૂકંપ સવારે ૭ઃ૩૨ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૧૦ કિલોમીટર નીચે હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૭ માપવામાં આવી હતી. અત્યાર સુધી ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
શુક્રવારે વહેલી સવારે પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં પણ ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના બાગેશ્વરમાં ૧૦ કિલોમીટર ઊંડાઈએ હતું. ભૂકંપ સવારે ૭ઃ૪૮ વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ માપવામાં આવી હતી.
શુક્રવારે ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્ય સિક્કિમમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા. સિક્કિમના ગ્યાલશિંગમાં મધ્યરાત્રિએ ૪.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારબાદ, રાજ્યના અનેક વિસ્તારોમાં ૧૦ થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા.
ભારતના પડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક જારદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૯ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શુક્રવારે સવારે ૬ઃ૦૩ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ ૯૬ કિલોમીટરની ઊંડાઈએ હતું. ઉલ્લેખનીય છે કે ૨૦૨૫માં મ્યાનમારમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો, જેમાં ૫,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા









































