એક વખત શાકભાજી માર્કેટમાં બટાકાની બાજુમાં બેઠેલું રીંકુ નામનું એક ભરાવદાર રીંગણ અચાનક રિસાઈ ગયું.
રીંગણ રીંકુ દેખાવમાં જાંબલી, મુલાયમ અને ગોળમટોળ હતું. તેને બધા ‘શાકભાજીનો રાજા’ કહીને બોલાવતા, પણ આજે તેનું મોં ફુગ્ગાની જેમ ફૂલેલું હતું.
એની બાજુમાં, પીળું દાંત કાઢતું મકાઈનું ડોડું ખડખડાટ હસી પડ્યું. ‘અરે રીંકુભાઈ, આજે સવાર સવારમાં તમે આ શું નાટક માંડ્યું છે? કેમ આમ ફૂલાઈને ફુગ્ગો બનીને બેઠા છો?’
રીંકુએ મોં બગાડ્યું. ‘નાટક? આ નાટક નથી! ખરેખર બધાંથી ખુબ નારાજ છું!’
‘નારાજ? કોનાથી નારાજ?’ ડુંગળી, કે જે સામાન્ય રીતે રડતી રહેતી તેણે આશ્ચર્યથી પૂછ્યું.
રીંકુએ લગભગ રડમસ અવાજે ફરિયાદ કરી, ’જુઓ! ગઈકાલે મારા પડોશી ટામેટાં, મરચાં અને બટાકાની વાનગીઓ બની. તેઓ ‘આલુ-ટમેટાનું શાક’, ‘મરચાંના ભજીયા’ બનીને બધાના પેટમાં ગયા અને ધમાલ મચાવી! પણ મારું શું? કાલે તો કોઈએ મને પૂછ્યું પણ નહીં!’ બટાકા આલુકાકા, જે પોતાની જાતને સૌથી મોટા સમજતા હતા, તેમણે ગર્વથી કહ્યું, ‘તમે ભૂલી ગયા, રીંકુ? તમે તો હજુ કાચા છો. તમારું ‘ભરથું’ કે ‘રીંગણના ભજીયાં’ બનવામાં સમય લાગશે.’
રીંકુનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. ‘સમય? મારે હવે રાહ નથી જોવી! હું આ શાકભાજીની દુનિયા છોડીને જઈ રહ્યો છું! હું કંઈક એવું બનીશ… એવું બનીશ.. કંઈક અદ્ભુત!’
બધા શાકભાજી હસવા લાગ્યા. ‘એક નાનું રીંગણ ક્યાં જશે?’
ગુસ્સામાં, રીંકુ પોતાનું વજન સંભાળ્યા વિના ગબડવા લાગ્યું. તે બટાકાની ઢગલી પરથી ગબડ્યો, કાંદાને ધક્કો માર્યો અને ગબડતો ગબડતો માર્કેટની બહાર નીકળી ગયો.
તે રસ્તા પર ગબડતો હતો ત્યાં તેને એક બાળકોની રમકડાની દુકાન દેખાઈ.
‘બસ! આ જ મારી નવી દુનિયા!’ રીંકુએ વિચાર્યું. ‘હું રમકડું બનીશ! કોઈ મને કાપશે નહીં, માત્ર રમશે!’
તે ધક્કો મારીને રમકડાની દુકાનમાં પ્રવેશ્યો અને એક સુંદર ભરાવદાર ટેડી બેરની બાજુમાં બેસી ગયો.
ટેડી બેરે તેને જોયું. ‘કોણ છે તું? તું મારો મિત્ર તો નથી? ને અહીં અમારી વચ્ચે કેમ આવ્યો છે?’
રીંકુએ ગર્વથી કહ્યું. ‘અરે! હું હવે માત્ર રીંગણ નથી. હું એક નવું જાંબલી રમકડું છું! હું રિસાઈ ગયો છું, એટલે હવે મને કોઈ ખાઈ શકે તેમ નથી! એટલે હું અહી તમારી વચ્ચે આવી ગયો છું!’
ટેડી બેરે આ વાત તેના કાનમાં કહી, ‘ભલે બધા તારી સાથે રમે, પણ મને તો તને જોઈને ભૂખ લાગી ગઈ છે, રીંકુ! તું તો એકદમ મુલાયમ, ભરથું બનાવવા માટે તૈયાર રીંગણ જેવો લાગે છે.’
રીંકુ ગભરાઈ ગયો. તેને સમજાયું કે રમકડાંની દુનિયા પણ સલામત નથી!
એવામાં એક નાની છોકરી ચીંકી, તેના પિતા સાથે રમકડાં લેવા આવી. ચીંકીની નજર સીધી રીંકુ પર પડી.
‘પપ્પા! જુઓ! આ રમકડું નહીં, આ તો તાજું રીંગણ છે! આજે મને ‘ભરેલાં રીંગણ’ ખાવાં છે! હવે આપણે માર્કેટમાં નહીં જવું પડે!’
ચીંકીએ રીંકુને ઉપાડ્યો. રીંકુ ગભરાઈને કૂદવા લાગ્યો. ‘ના! હું રીંગણ નથી! હું તો રિસાઈ ગયેલું રીંકુ રમકડું છું!’
પણ ચીંકીને તો ફક્ત તેનું ભરેલું શાક બનાવવું હતું. પિતા હસી પડ્યા, ‘હા બેટા, આ રીંગણ છે, રમકડું નથી.’
રીંકુની રીસ ઉતરી ગઈ. તેને સમજાયું કે તેનું સાચું ગૌરવ તો સ્વાદિષ્ટ શાકભાજી બનવામાં જ છે.
તે રડમસ અવાજે બોલ્યો, ‘મને માફ કરજો, મારે હવે ભરથું જ બનવું છે! મને ફરી માર્કેટમાં મૂકી દો!’
પણ હવે મોડું થઈ ગયું હતું. ચીંકી ખુશ થઈને રીંકુને લઈને ઘરે ગઈ અને તે સાંજે રીંગણનું સ્વાદિષ્ટ ભરથું બન્યું, જેને ચીંકીએ ખૂબ હોંશથી ખાધું.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭










































