રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકામાં અંદાજિત રૂપિયા ૧૦.૮૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ વિકાસકાર્યોમાં વાંકીયા-ચાંદગઢ વચ્ચે ૧૯ કિલોમીટરના માર્ગનું રૂ. ૮.૫૦ કરોડના ખર્ચે રિસર્ફેસીંગ થશે. ગીરીયામાં અંદાજિત રૂ. ૧.૮૮ કરોડના ખર્ચે ૧૨૦૦ મીટરનો સુવિધા પથ તૈયાર થશે. જ્યારે ચક્કરગઢમાં અંદાજિત રૂ. ૪૬ લાખના ખર્ચે પશુ દવાખાનું તૈયાર થશે. આ પ્રસંગે ગીરીયા મુકામે સંબોધન કરતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદાર હાથે અમરેલીને વિકાસકાર્યોની ભેટ આપી છે. આ વિસ્તારમાં ‘સુવિધા પથ’ની સુવિધા ફક્ત ગીરીયા જ નહીં અમરેલી-વડીયા-કુંકાવાવના ૩૦  ગામોમાં ‘સુવિધા પથ’ મંજૂર થયા છે. આ પ્રસંગે તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેવી તાકીદ રાજ્યમંત્રીએ કોન્ટ્રાક્ટર અને સંલગ્ન વિભાગના અધિકારીઓને કરી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, પીઠવાજાળ, ચક્કરગઢ, ગીરીયાના સરપંચ, માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.