રાજકોટ ખાતે આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયોનલ કોન્ફરન્સ યોજાશે. આ અંતર્ગત રાજ્ય સરકારના કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ફ્લેગશીપ ઈવેન્ટ-ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે એગ્રો અને ફૂડ, કેમિકલ, એન્જીનિયરીંગ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક અને પાવર સહિતના સેકટરમાં કુલ રૂ. ૯૦૮ કરોડથી વધુની રકમના ૩૧ એમ.ઓ.યુ (Memroandum Of Understanding) સાઈન અને એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
આ અન્વયે જિલ્લામાં રોજગારીના ૧૪૦૦થી વધુ નવા અવસરોનું સર્જન થશે, સાથે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસના નવા અધ્યાયનો આરંભ થશે.
કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, એગ્રોથી પાવર સેક્ટર સુધી રૂ. ૯૦૮ કરોડથી વધુના રોકાણથી જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ વેગવંતો બનશે. ગુજરાત સાથે વિશ્વના ઉદ્યોગ સાહસિકો કનેક્ટ થતા નોલેજ અને ટેક્નોલોજી શેરિંગના કારણે રાજ્ય ‘બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ’ તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે. રાજ્યના કાયદા અને ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, જિલ્લાને પોતાની જી.આઈ.ડી.સી. મળે તે દિશામાં સકારાત્મક પ્રયત્નો શરૂ છે. જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે આગળ ધપે તે દિશામાં અમે સતત સક્રિય છીએ. ધારી કૃષિ ઉત્પાદક પ્રોસેસિંગ સહકારી મંડળી લી., અજવા સ્ટીલ એલ.એલ.પી. એકમ, હોનેસ્ટ કોટસ્પીન પ્રા.લી., સ્કાયઓન ફૂડ્સ, કસ્વા ઇન્ડસ્ટ્રીઝ, પરફેક્ટ રોટો પોલીમર્સ, મોટા માણસા બ્લેકટ્રેપ બ્લોક-એ સહિતના ઔદ્યોગિક એકમોએ કાર્યક્રમમાં સહભાગી બનીને ફ્લેગશીપ ઈવેન્ટને સફળ બનાવી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. અમરેલી સ્થિત શાંતાબા ગજેરા ઓડિટોરીયમ હોલ ખાતે આયોજિત જિલ્લાની ફ્લેગશીપ ઈવેન્ટ-ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, અધિક ઉદ્યોગ કમિશ્નર આર.એન. ડોડીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, વેપારી મહામંડળ, ડાયમંડ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી, ઓઈલ મીલ એસોસિએશન પ્રમુખો, શીતલ કુલ પ્રોડક્ટ મેનેજિંગ ડિરેક્ટર ભૂપતભાઈ ભુવા સહિતના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.










































