રાજુલા જનરલ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સ એજન્સીના ૪૪ જેટલા કર્મચારીઓમાં અલગ અલગ વર્ગ ૩ અને વર્ગ ૪ના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમા ૫ જેટલા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે એજન્સી દ્વારા સસ્પેન્ડ કરી છુટ્ટા કરતા કર્મચારીઓ નારાજગી સાથે ગઈકાલ સવારથી હડતાળ ઉપર ઉતરી ગયા છે. આજે કર્મચારીઓ અને સામાજિક આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપી ન્યાય આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. રાજય સરકાર આ કર્મચારીઓને ન્યાય આપે તેવી અને રાજુલા હોસ્પિટલની એજન્સી દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે બોલાવી રૂપિયા માંગતા હોવાનો અને રૂપિયા ન આપે તો સસ્પેન્ડ કરવાની ધમકીઓ આપે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઈચ્છામૃત્યુની માંગ સાથે કલેકટર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.