રાજુલામાં આજે માર્કેટિંગ યાર્ડ ખાતે તળપદા કોળી જ્ઞાતિ દ્વારા ૩૦મો સમૂહલગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે ૨૪ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડીને નવા જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે માતૃશ્રી મીરામા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દીકરીઓને કરિયાવર સહિતની વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા પરષોત્તમભાઈ સોલંકીએ સમાજને સંગઠિત રહી આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ અવસરે રાજેન્દ્ર બાપુ (નિર્મોહી અખાડા), સનાતન બાપુ, જાફરાબાદ ખારવા સમાજના આગેવાન ભગુભાઈ સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગ મહેતા તેમજ ચેતનભાઈ શિયાળ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને તેમની ટીમે પ્રસંગને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ અવસરે હેમાંગભાઈ ટાંક, જાગૃતિબેન તેરૈયા, આશિષભાઈ જાની, દયાબેન ડાભી અને ઉત્તમભાઈ જોશીએ ભાતીગળ લગ્ન ગીત રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.