બ્રહ્માકુમારીઝ-ગુજરાતના હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે રાજુલામાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરાયું હતું. રાજુલા બ્રહ્માકુમારીઝના અનુદીદીના હસ્તે યાત્રાનો આરંભ થયો હતો. બ્રહ્માકુમારી સરોજબેન, બ્રહ્માકુમારી કાજલબેન તથા બાળકો સાથે આ યાત્રા બ્રહ્માકુમારી સેન્ટર થી આંબેડકર સર્કલ, બસ સ્ટેશન, લક્ષ્મી નારાયણ મંદિર (હઠીલા મંદિર), માર્કેટ યાર્ડ સર્કલ જેવા મુખ્ય માર્ગ પરથી પસાર થઇ હતી. સંસ્થા દ્વારા ગુજરાતમાં તેના ૬૦મા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના ૫૦૦ સેવા કેન્દ્ર અને ૫૦૦૦ નાની ગીતા પાઠશાળા સહિત અનેક સભ્યોએ પોતાના ગામ, શહેરોમાં શાંતિ યાત્રા, મૌન રેલી યોજીને અનેક આત્માને શાંતિ મળે તેવો પ્રયાસ કર્યો હતો. આ શાંતિ યાત્રામાં રાજુલામાંથી ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. વર્તમાન સમયમાં તણાવ, દુઃખ અને અશાંતિભર્યા સંસારમાં વ્યક્તિ ખુબ ઝડપી વિચારની ટેવથી ઘણી સમસ્યાનો સામનો કરે છે. તેથી માનસિક, શારીરિક, આર્થિક દુઃખની લાગણીની અનુભૂતિ થાય છે.