અમરેલી જિલ્લાના રાજુલામાં એક પૂર્વ આયોજિત કાવતરા દ્વારા ખાનગી ફાઈનાન્સ કંપનીના કર્મચારી સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. ચાર શખ્સોની ટોળકીએ સોનું છોડાવવાના બહાને કંપની પાસેથી પૈસા ભરાવી, બાદમાં નજર ચૂકવીને સોનાના ઘરેણાંની ચોરી કરી નાસી છૂટ્યા હતા. રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીને દબોચી લીધા હતા. મૂળ બનાસકાંઠાના ધાનેરાના અને હાલ જુનાગઢમાં રહી નોકરી કરતા નરશાજી રાજાજી રાજપુત (ઉ.વ.૨૮)એ રવીરાજ મરમલ, લાલજીભાઇ બીજલભાઇ લાખણોત્રા રહે.જુની બારપટોળી, હુસૈનભાઇ ઉર્ફે ટીકો રહીમભાઇ નાગરીયા તથા તથા કલદીપભાઇ મનુભાઇ સાંડસુર નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો અનુસાર, જુની બારપટોળી ગામના લાલજીભાઈ બીજલભાઈ લાખણોત્રાના સોનાના દાગીના રાજુલાની બેંકમાં ગીરો પડેલા હતા. આ દાગીના છોડાવવા માટે રવીરાજ મરમલે તેમની કંપનીમાં ઈન્કવાયરી કરી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ દાગીના છોડાવીને કંપનીને સોંપી દેશે. આ વાત પર ભરોસો રાખી ફરિયાદીની કંપનીએ ઇ્ય્જી દ્વારા રૂ.૪,૧૨,૦૧૨ બેંકમાં જમા કરાવ્યા હતા. બેંકમાં નાણાં જમા થયા બાદ લાલજીભાઈ લાખણોત્રાએ સોનાના ઘરેણાં મેળવી લીધા હતા અને નિયમ મુજબ તેમને સોંપ્યા હતા. ત્યારબાદ ચારેય આરોપીઓએ તેમને અને સાહેદને તેમની કારમાં બેસાડ્યા હતા અને કહ્યું હતું કે, અમે તમને થોડે દૂર ઉતારી દઈશું. મુસાફરી દરમિયાન ચારેય શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ તેમની નજર ચૂકવી હતી. કારમાં બેઠેલા આરોપીએ તેમના પેન્ટના ખિસ્સામાં રહેલી સોનાના ઘરેણાંની કોથળી છળકપટથી કાઢી લીધી હતી. તેમને જાણ થાય તે પહેલા જ આરોપીઓ દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધા હતા. આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.કોલાદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઇ.મધુભાઇ નથુભાઇ પોપટ હે. કોન્સ્ટેબલ્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહીલ, મનુભાઇ રામભાઇ માંગાણી, સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર, પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા, સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા પોલીસ કોન્સ્ટેબલ્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા અને ભોળાભાઇ ભાભલુભાઇ ભુંકણ દ્વારા કરવામાં આવી હતી.
આરોપીઓની આવી હતી મોડસ ઓપરેન્ડી
આરોપીઓ ગોલ્ડ લોન માટે બેંકમાં ગીરવે મુકેલ સોનાના દાગીના છોડાવવા માટે, દાગીના છોડાવી આપતી ફાઇનાન્સ કંપનીનો સંપર્ક કરી, ફાઇનાન્સ કંપનીના કર્મચારીને વિશ્વાસમાં લઇ, ફાઇનાન્સ કંપની પાસે પૈસા જમા કરાવી સોનાના દાગીના છોડાવી, ફાઇનાન્સ કંપનીના કર્મચારીને ફોર વ્હીલમાં બેસાડી નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
આરોપીઓ લાંબા સમયથી અલગ-અલગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. જેમાં સુરતના એક ગંભીર ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીનો પણ સમાવેશ થાય છે. રવિરાજભાઇ મધુભાઇ મરમલ (ઉ.વ. ૩૨, રહે. જૂની બારપટોળી) મુખ્ય છે. પોલીસ રેકોર્ડ મુજબ, તે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના કેસમાં ઓગસ્ટ-૨૦૨૫ થી નાસતો ફરતો હતો. આ ઉપરાંત, તેની સામે અગાઉ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગંભીર ઇજા પહોંચાડવા અંગેનો ગુનો પણ નોંધાયેલ છે. આરોપી લાલજીભાઇ બીજલભાઇ લાખણોત્રા અગાઉ જુગારધારાના કેસમાં તેમજ મોટર વ્હીકલ એક્ટ અને ધાક-ધમકી આપવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે હુસૈનભાઇ ઉર્ફે ટીકો રહીમભાઇ નાગરીયા સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન (દારૂબંધી) ના બે અલગ-અલગ ગુનાઓ તેમજ એટ્રોસીટી એક્ટ અને ધાક-ધમકી આપવા જેવી ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયેલા છે.






































