રાજુલા શહેરમાં સિન્ધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના ૧૦૭૬મા જન્મોત્સવ એટલે કે ‘ચેટી ચાંદ’ની અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે સમગ્ર સમાજે પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને અભૂતપૂર્વ એકતાના દર્શન કરાવ્યા હતા, જેના કારણે શહેરમાં દિવાળી જેવો ભવ્ય માહોલ સર્જાયો હતો. નવનિર્મિત ઝુલેલાલ મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે ભેરાઈ રોડ, ટાવર ચોક અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરીને ખોડિયાર મંદિર ખાતે સંપન્ન થઈ હતી.આ ઉત્સવ દરમિયાન ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પોલીસ સ્ટેશન ચોક પાસે બહેનોએ પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યારે સેવાભાવીઓ દ્વારા ઠંડી લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન મંદિરે ધ્વજારોહણ, જ્યોત પ્રાગટ્ય, બહેરાણા સાહેબ અને સમૂહ જનેઉ જેવા અનેક ધાર્મિક વિધિઓ
યોજાયા હતા.










































