રાજુલા વિસ્તારમાં રસ્તા પર મોટરસાયકલ મુકવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક પરિવારના ત્રણ સભ્યો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદીને ગંભીર ઈજા પહોંચી હતી. દેવાભાઇ રાજાભાઇ મકવાણા (ઉ.વ.૪૭) એ વિનોદભાઇ ભીમાભાઇ, કૈલાસબેન ભીમાભાઇ, સોમાતભાઇ ગલાભાઇ તથા વિમુબેન સોમાતભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા તેમની પત્ની અને પુત્ર સાથે પોતાની વાડીએથી ‘સનેડો ટ્રેક્ટર’ લઈને ઘરે પરત આવી રહ્યા હતા. પોતાના ઘર પાસેની શેરીમાં પહોંચતા આરોપીએ પોતાનું મોટરસાયકલ રસ્તાની વચ્ચે મૂકી દીધું હતું, જેના કારણે ફરિયાદીને ટ્રેક્ટર લઈ જવામાં અડચણ ઊભી થઈ હતી. તેમણે આરોપીને તેમનું મોટરસાયકલ રસ્તામાંથી સાઈડમાં ખસેડવા માટે કહેતા આરોપીને આ વાત સારી ન લાગી. તેણે તેમને ગાળો આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ધારીયા વડે કપાળના ભાગે ઈજા પહોંચાડી હતી. આ માથાકૂટ ચાલી રહી હતી તે દરમિયાન અન્ય બે આરોપીઓ પણ ત્યાં આવી ગયા હતા. આ ત્રણેયે ભેગા થઈને ફરિયાદી અને તેમની સાથે રહેલા સાહેદોને ઢીકાપાટુનો મુંઢમાર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમની પત્નીને આરોપીએ ઢીકાપાટુનો માર મારી નીચે પછાડી દીધા હતા અને તેમના કપાળના ભાગે ઈજા કરી હતી. તેમને માથાના ભાગે તથા ખભાના ભાગે ધારીયાનો ઊંધો ઘા મારીને ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં મુખ્ય ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને બે ટાંકા લેવા પડ્‌યા હતા.