રાજુલામાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો હતો. બીમાર માતાની ખબર કાઢવા આવતા સંબંધીઓ ન ગમતા ભાઈએ ભાઈ પર હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આવી હતી. મહેશભાઇ કાનાભાઇ ખાંભલાએ ઘેલાભાઇ કાનાભાઇ ખાંભલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ અને આરોપી ઘેલાભાઈ ખાંભલા બંને સગા ભાઈઓ છે. ઘેલાભાઈ ખાંભલા તેમની અને અન્ય પરિવારજનોથી અલગ રહે છે અને લાંબા સમયથી તેમની વચ્ચે બોલવા-ચાલવાનો કોઈ વ્યવહાર નથી. થોડા સમય પહેલા તેમના માતા બીમાર પડ્યા હતા, જેના કારણે તેમના સગા-સંબંધીઓ ઘરે ખબર અંતર પૂછવા માટે આવતા હતા. ઘરે આવતા મહેમાનો અને સંબંધીઓની અવરજવર ઘેલાભાઈ ખાંભલાને પસંદ નહોતી. આ બાબતનું મનદુઃખ રાખી તેમણે તેની સાથે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા ઘેલાભાઈ ખાંભલાએ ગાળાગાળી કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેમના મોઢાના ભાગે હોઠ પર જોરદાર ઢીકો મારી દેતા લોહી નીકળ્યું હતું અને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.










































