રાજુલા શહેરમાં નવા મકાનનું બાંધકામ કરી રહેલા એક પરિવાર પર પાડોશમાં રહેતા ચાર શખ્સોએ હિચકારો હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. મકાન બાંધકામની રેતી અને ધૂળ ઉડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે રમકડાની કેબિન ધરાવતાં અકરમભાઇ આદમભાઇ સેલોત (ઉ.વ.૨૫) એ હસનભાઇ ટપુભાઇ મહેતર, કાળુભાઇ હસનભાઇ મહેતર, હુસૈન હસનભાઇ મહેતર તથા સમીરભાઇ સલીમભાઇ મહેતર સામે ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગત મુજબ, તેઓ પોતાના નવા મકાનનું બાંધકામ કરી રહ્યા હતા. બાંધકામ માટે જરૂરી રેતી અને અન્ય સામાન ઘરની બહાર શેરીમાં નખાવ્યો હતો. તેના ઘરની સામે જ રહેતા ચાર આરોપીઓને આ બાબત ગમી નહોતી. રેતી અને ધૂળ ઉડીને તેમના ઘર તરફ જતી હોવાથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ એકસંપ થઈ જાહેરમાં ગંદી ગાળો આપી હતી. ઝઘડો વધતા ચારેય આરોપીઓએ લાકડીઓ ધારણ કરી ફરિયાદી અને સાહેદો પર તૂટી પડ્‌યા હતા. આ હુમલામાં તેમને શરીરે મુંઢ ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને ગુનામાં મદદગારી કરી હતી.પાડોશમાં રહેતા લોકો વચ્ચે નજીવી બાબતે થયેલા આ હિંસક હુમલાને પગલે પંથકમાં ચર્ચા જાગી હતી.