રાજુલા અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોને કટોકટીના સમયે લોહીની જરૂરિયાત સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા એક વિશિષ્ટ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેમના વ્યક્તિગત પ્રયત્નો થકી રાજુલા સરકારી જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ માટે અંદાજે અઢી લાખ રૂપિયાની કિંમતનું ખાસ ફ્રિજ તેમજ અન્ય આધુનિક સાધનો ભેટ આપવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ સુવિધાના લોકાર્પણ પ્રસંગે સીતારામ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શનિવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે યોજાનારા આ પાવન પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. આ સેવાકીય કાર્યમાં સહભાગી થવા અને ઉત્સાહ વધારવા માટે તમામ નગરજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.