રાજુલા તાલુકાના હિંડોરણા ગામે એક મહિના જૂની સામાન્ય વાતનું મનદુઃખ રાખીને પાડોશીએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘરની દીવાલમાં બાથરૂમના પાણીના પાઈપ ફિટ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક રૂપ ધારણ કર્યું હતું. જીલુભાઇ ડોસલભાઇ પટાટ (ઉ.વ.૭૦)એ ભીખુભાઇ સુમરાભાઇ વાવડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આશરે એકાદ મહિના પહેલા પોતાના ઘરે બાથરૂમનું પાણી બહાર કાઢવા માટે દીવાલમાં પાણીના ભુંગળા (પાઈપ) લગાવ્યા હતા. આ પાઈપલાઈન નાખવાની બાબત સામાવાળા શખ્સને ગમી ન હતી. એની કડવાશ રાખીને આરોપીએ તેમને રસ્તામાં આંતરીને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો, જેના કારણે છાતીના ભાગે અને ડાબા પગના ગોઠણથી નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.જે. કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.