અમરેલી–ભાવનગર રેન્જમાં ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતત કાર્યવાહીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં દારૂના કિસ્સામાં સ્ટેટ મોનીટરીંગ સેલની આ ત્રીજી મોટી રેડ નોંધાઈ છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભચાદર ગામ નજીક મોટા પાયે ઈંગ્લીશ દારૂનું કટિંગ ઝડપાતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આવનારી હોળી-ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ટ્રક મારફતે મંગાવવામાં આવ્યો હતો. આ દારૂનું કટિંગ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાય તે પહેલાં જ સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ટ્રકમાંથી દારૂ ઉતારવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ પોલીસ ટીમ પહોંચી ગઈ હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ આર.કે. કરમટાની આગેવાની હેઠળ કરાયેલી આ કાર્યવાહીમાં ટ્રકનો ડ્રાઈવર ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે આ દારૂના કૌભાંડ સાથે સંકળાયેલા આઠ જેટલા આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કુલ ૧૫,૧૭૮ બોટલો ઝડપી લેવામાં આવી છે. દારૂ ભરેલ બોલેરો ટ્રક સહિત કુલ રૂ. ૬૮,૬૫,૭૧૦ના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થો બજારમાં ઉતરી ગયો હોત તો મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂનો પ્રવાહ વધવાની સંભાવના હતી.
ભાવનગર રેન્જમાં અગાઉ બોટાડ જિલ્લામાં પણ મોટા દારૂના કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે અમરેલી જિલ્લામાં દારૂનું દુષણ વધતું હોવાનું સામે આવતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી રેડ બાદ અમરેલી જિલ્લા પોલીસ બેડામાં પણ સન્નાટો વ્યાપી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ બાબતે સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ આર.કે. કરમટાએ જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે ખાસ ટીમો કાર્યરત છે.










































