રાજુલાના જુની બારપટોળી ગામે ખેતરમાં જવાના રસ્તા મુદ્દે થયેલી તકરારમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ જાનથી મારવાની ધમકી પણ આપી હતી. ઇસુબભાઇ અલારખભાઇ નાગરીયા (ઉ.વ.૪૦) એ પાંચાભાઇ લાખાભાઇ કલસરીયા તથા ખોડાભાઇ કથડભાઇ કલસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમનાના ખેતરમાંથી પાંચાભાઈ કસલરીયા અને અન્ય ખેડૂતોને તેમના ખેતરમાં જવાનો રસ્તો છે. આ રસ્તા પર આરોપીઓ રાત્રિના સમયે મોરમના ઢગલા પાથરી રહ્યા હતા. આ જોઈને તેમણે તેમને કહ્યું કે, “જો તમારે રસ્તાનું કામ કરવું હોય તો દિવસના સમયે કરવું જોઈએ અને તે પહેલાં મને જાણ કરવી જોઈએ. આટલું કહેતા જ બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. બંનેએ ફરિયાદીને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો આપીને હુમલો કર્યો હતો. પાવડા વડે તેમના બંને પગના નળાના ભાગે ઈજા પહોંચાડી હતી. તેમજ શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. હુમલા બાદ બંને આરોપીઓએ તેમને ધમકી આપી હતી કે, “અમારા ખેતર બાજુ આવતો નહીં, નહીં તો તને જીવતો નહીં રહેવા દઈએ.” આમ કહીને બંનેએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશના હેડ કોન્સ્ટેબલ જી.જે.કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.