રાજુલાના કોવાયા ગામે રહેતા એક પુરુષે સંગમ ડોટકોમ નામની વેબસાઇટ પર લગ્નની પ્રોફાઇલ બનાવી હતી. જેના પર આરોપીએ ખોટી ટ્રેડિંગ લિંક મોકલી હતી અને સારો ફાયદો થશે તેવી લાલચ આપીને કુલ ૨૦,૨૮,૫૦૦ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે રાજુલાની કોવાયા ટાઉનશીપમાં રહેતા નીલેશભાઈ કનુભાઈ સોરઠીયા (ઉ.વ.૫૩)એ મુંબઈમાં કિર્તી ક્પૂર, મેક આઈડિયાઝ હેપેન નામના વોટ્સએપ ગ્રુપના એડમિન અનુપમ તિવારી તથા પરણિતી જૈન સામે ફરિયાદ નોંધાવી હતી. ઠગ ટોળકીએ ટ્રેડિંગના નામે નફાની લાલચ આપી ફરિયાદીને તબક્કાવાર મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, નીલેશભાઈ સોરઠીયાએ લગ્ન માટેની વેબસાઈટ સંગમ ડોટ કોમ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. આ વેબસાઈટ પર આરોપીઓએ સંપર્ક કરી, તેમને ટ્રેડિંગમાં રોકાણ કરવાની અને ખૂબ સારો નફો મળવાની લાલચ આપી હતી. વિશ્વાસ કેળવવા માટે, આરોપીઓએ નીલેશભાઈને શરૂઆતમાં એક નાનું રોકાણ કરવા જણાવ્યું હતું. જેથી ૧૫ જુલાઈ ૨૦૨૫ના રોજ નીલેશભાઈએ આરોપીએ આપેલા બેંક ખાતામાં રૂ. ૫૦,૦૦૦ જમા કરાવ્યા હતા. ચાર દિવસ બાદ નીલેશભાઈના ખાતામાં રૂ. ૭૧,૫૨૫ પરત જમા થયા હતા. આ નાનો નફો જોઈ તેમને ટોળકી પર વિશ્વાસ બેસી ગયો હતો.
૨૧ જુલાઈ ૨૦૨૫ના રોજ ફરિયાદીને રૂ. ૭૧,૫૦૦ પરત મળ્યા હતા. આ પછી, ઠગ ટોળકીએ તેમને વધુ નફાની લાલચ આપી હતી. ૩૦ જુલાઈ ૨૦૨૫ના રોજ નીલેશભાઈએ પ્રોક્રાફ્ટ બિલ્ડરના બેંક ખાતામાં બીજા રૂ. ૫૦,૦૦૦ જમા કરાવ્યા હતા. ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ઠગ ટોળકીના વિશ્વાસમાં આવીને નીલેશભાઈએ પોતાના પુત્ર નિશિતને આ વિશે વાત કરી હતી. નિશિતે તેમના ખાતામાંથી રૂ. ૨૦,૦૦,૦૦૦ આરટીજીએસ દ્વારા પ્રોક્રાફ્ટ બિલ્ડરના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
ઠગ ટોળકીએ કુલ રૂ. ૨૧,૦૦,૦૦૦નું રોકાણ કરાવ્યા બાદ માત્ર રૂ. ૭૧,૫૦૦ પરત આપી બાકીના રૂ. ૨૦,૨૮,૫૦૦ની છેતરપિંડી કરી હતી. આ મામલે, નીલેશભાઈ સોરઠીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને, આ બનાવટી ટ્રેડિંગ લીંક અને ઈલેક્ટ્રોનિક પુરાવા બનાવનાર ટોળકીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.આર. છોવાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































