રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલો ૬ કિલોમીટરનો જર્જરિત માર્ગ છેલ્લા ઘણા સમયથી હજારો વાહન ચાલકો અને સ્થાનિકો માટે મોટી સમસ્યા બની રહ્યો હતો. જોકે, હવે આ માર્ગને માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂપિયા ૨૦ કરોડના ખર્ચે નવેસરથી બનાવવાની મંજૂરી મળતાં આજે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કોવાયા મુકામે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો પ્લાન્ટ આવેલો છે. આ માર્ગ પરથી કંપનીના નાના-મોટા ભારે વાહનો, કર્મચારીઓનો સ્ટાફ અને આસપાસના ૧૦ જેટલા ગામડાંનો ટ્રાફિક મળીને કાયમી ૧૦૦૦ કરતાં વધારે વાહનોની અવરજવર રહે છે. આ રસ્તો અગાઉ કંપની હસ્તગત હતો, પરંતુ તે લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો. બાદમાં સરકારે આ માર્ગ હસ્તગત લીધો હતો, પરંતુ તેની મરામત થતી નહોતી. આ માર્ગની ખરાબ હાલત અંગે અખબારી અહેવાલો અને સ્થાનિકોની રજૂઆતો બાદ, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આ માર્ગને માર્ગ અને મકાન વિભાગમાં સોંપી દેવા માટે સખત રજૂઆત કરી હતી. ધારાસભ્યની આ રજૂઆતને સફળતા મળતાં કોવાયાથી લોઠપુર (વાંકાબાવળ) સુધીના ૬ કિલોમીટરના માર્ગ માટે રૂ.૨૦ કરોડ મંજૂર થયા હતા. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આ માર્ગનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.