રાજુલા શહેરમાં આગરીયા જકાતનાકા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પરબ વાવડી તરફથી રાજુલા આવી રહેલી એક ફોરવ્હીલ કાર અચાનક રસ્તાની બાજુમાં આવેલા ગટરના ઊંડા અને ખુલ્લા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના કુલ પાંચ સભ્યોને ઈજા પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક રહીશોએ દોડી જઈ માનવતા મહેકાવી હતી. લોકોએ ગટરના પાણીમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢી તાત્કાલિક મદદ પૂરી પાડી હતી. સ્થાનિક લોકોની સતર્કતા અને તાત્કાલિક સહાયના કારણે મોટી જાનહાનિ ટળી શકી છે. સ્થળ પર હાજર પરિવારજનોએ રોષ અને વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રસ્તા પરનો આ ખુલ્લો ગટરનો ખાડો ખૂબ જોખમી છે અને “આ ખાડો કોઈકનો જીવ લઈ જશે”. આ બનાવ બાદ વિસ્તારમાં ગટર વ્યવસ્થા અને રસ્તાની સુરક્ષા અંગે તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક આ ખાડો બંધ કરી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે.