ગુજરાતમાં ગત મોડી રાત્રે (૧૨ માર્ચ) મુસાફરોથી ભરેલી બે અલગ-અલગ બસોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓએ હાહાકાર મચાવી દીધો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે રાજસ્થાનથી આવતી એક ખાનગી સ્લીપર બસમાં મધરાતે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ હચમચાવી દેનારી ઘટનામાં એક મુસાફરનું બસની અંદર જ બળી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ૬ થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. બીજી તરફ, અમદાવાદમાં પણ એક એએમટીએસ બસ સળગી ઉઠી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના જેસલમેરથી એક ખાનગી લક્ઝરી સ્લીપર બસ મુસાફરોને લઈને અમદાવાદ તરફ આવી રહી હતી. મધરાતે આશરે ૩ઃ૩૦ વાગ્યાનો સમય હતો અને મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. ત્યારે નેનાવા ગામ નજીક અચાનક જ બસમાં આગ ભભૂકી ઉઠી. જાતજાતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આખી બસ આગની જ્વાળાઓથી ઘેરાઈ ગઈ.
બસમાં ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટો વચ્ચે મુસાફરોમાં ભારે ચિચિયારીઓ અને નાસભાગ મચી ગઈ હતી. બસના મુખ્ય દરવાજેથી બહાર નીકળવું અશક્ય હોવાથી, જીવ બચાવવા માટે અનેક મુસાફરોએ ચાલુ બસની બારીઓના કાચ તોડીને બહાર છલાંગ લગાવી હતી. પરંતુ, આ અફરાતફરી વચ્ચે એક કમનસીબ મુસાફર આગની લપેટમાં આવી જતાં બસની અંદર જ જીવતો ભૂંજાઈ ગયો હતો.
આ દુર્ઘટનામાંથી બચી ગયેલા એક મુસાફરે હૈયું કંપાવી દેતી આપવીતી વર્ણવતા કહ્યું કે, “અમે રાજસ્થાનના જેસલમેરમાં એક લગ્ન પ્રસંગ પૂરો કરીને અમદાવાદ પરત ફરી રહ્યા હતા. રાત્રે અચાનક આગ કેવી રીતે લાગી તેની કોઈને ખબર જ ન પડી. બધા લોકો અંદર ફસાઈ ગયા હતા અને માંડ માંડ જીવ બચાવ્યો.” ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને ગંભીર રીતે દાઝી ગયેલા ૬ મુસાફરોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
બસમાં લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે ધાનેરા નગરપાલિકાની ફાયર ટીમ ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોરથી પણ ફાયર ફાઈટરોને તાત્કાલિક બોલાવવાની ફરજ પડી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ ચૂકી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ જ દિવસે બીજી એક ઘટનામાં અમદાવાદના પાલડી વિસ્તારમાં પણ એક એએમટીએસ બસમાં આગ લાગી હતી. લાલ દરવાજાથી બાવળા તરફ જઈ રહેલી આ બસના એન્જીનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોકે, બસના ડ્રાઇવરે ગજબની સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બસ રોકી દીધી અને તમામ પેસેન્જરોને હેમખેમ નીચે ઉતારી લીધા હતા, જેથી એક મોટી જાનહાનિ ટળી હતી. આ બંને ઘટનાઓએ ખાનગી અને સરકારી બસોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરી દીધું છે.







































