ગુજરાતમાં ૨૦૨૫ની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, આ ઝુંબેશમાં ૧૧મી ડિસેમ્બર સુધી ચાલશે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં ચાલી રહેલી આ પ્રક્રિયામાં ફોર્મના ડિજિટાઈઝેશન (અંકીયકરણ)ની કામગીરીમાં ડાંગ જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. જો કે, આ યાદીમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોનો સમાવેશ થયો નથી. મતદાર યાદીમાં નોંધાયેલા ૫ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ થયા બાદ, પરત મળેલા ફોર્મને ડિજિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ડાંગ જિલ્લો ૯૩.૫૫ ટકા ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશન સાથે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં નંબર એક પર રહ્યો છે. જ્યારે અમરેલી, અમદાવાદ, સુરત અને રાજકોટ જિલ્લાઓ ટોપ-૧૦ જિલ્લાઓની યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી. રાજયમાં ટોપ ટેન જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, મહીસાગર પંચમહાલ, અરવલ્લી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ ચાર વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઈઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂરી થઈ ચુકી છે. ગણતરી દરમિયાન રાજ્યભરમાં ૧૬ લાખ જેટલા અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે ૪.૪૦ લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ ૨૩ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત ૨.૮૨ લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.









































