રાજકોટ અને ભાવનગરને જોડતા આટકોટ-વિરનગર હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો માટે આ માર્ગ અત્યંત જોખમી બન્યો છે અને અકસ્માતનો ભય વધી રહ્યો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્રને તાત્કાલિક આ રોડનું સમારકામ કરવા માટે માંગ કરવામાં આવી છે. આ મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રોડની જાળવણીના અભાવે ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. ચોમાસામાં પરિસ્થિતિ વધુ વણસી છે, કારણ કે ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાથી તેની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે. આ પરિસ્થિતિને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે અજાણ્યા વાહનચાલકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિક આગેવાનોએ તંત્રને રજૂઆત કરતા જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.