રાજકોટ શહેરનો વિકાસ હવે બધી રીતે થયો છે. તે એકબાજુએ મહેનત કરનારાઓનું મુકામ બન્યું છે તો બીજી બાજુએ તે રીતસરનો દારૂ પીને છાકટા થનારાઓનું સ્થળ પણ બન્યું છે. રાજકોટના વિકાસની સાથે-સાથે ત્યાં છાંટાપાણીનું ચલણ પણ વધી રહ્યુ છે. આજે રાજકોટમાં દારૂની માંગ એટલી વધી છે કે દારૂની હેરાફેરી હવે રીક્ષા કે ટેમ્પા જેવા વાહનમાં નહીં પણ મોંઘી દાટ કારમાં થઈ રહી છે.
અત્યાર સુધી રીક્ષા, પેડલ વાહનો, ટ્રક કે ટેમ્પામાંથી જ દારૂને પકડતી પોલીસે પણ હવે દારૂની હેરાફેરીની બદલાયેલી સ્ટાઇલની નોંધ લીધી છે. પહેલા મોંઘી ગાડી જાઈને ચેકિંગ કર્યા વગર જવા દેતી પોલીસ હવે દરેક મોંઘી ગાડીની ખાસ તલાશી લે છે. આજે ગુજરાતના ફક્ત રાજકોટ નહીં અમદાવાદ, વડોદરા સુરતમાં દારૂની હેરાફેરીએ હવે જાણે સ્પેશ્યલ સર્વિસનું સ્થાન લીધું હોય તે રીતે તેની મોંઘી દાટ ગાડીઓમાં તેની હેરાફેરી થાય છે.
રાજકોટમાં પોલીસે મોંઘી કારમાં હેરાફેરી કરનારા શખ્સની ધરપકડ કરી છે. તેની ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી ધરપકડ કરવામાં આવી છે. ક્રિષ્ના વોટરપાર રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલો છે. ક્રાઇમ બ્રાન્ચે તેમા રાજસ્થાનના બે શખ્સોની મોહનલાલ પુનિયા અને મુકેશકુમાર આલની ધરપકડ કરી છે.
પોલીસે આ વૈભવી કારમાંથી દારૂની કુલ ૩૮૪ બોટલ કબ્જે કરી છે. આમ કાર અને દારૂ સહિત પોલીસે કુલ રૂ. ૩૬.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અગાઉ પણ પોલીસે આ રીતે ક્રિષ્ના વોટરપાર્ક નજીકથી જ દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. પોલીસનું માનવું છે કે ક્રિષ્ના વોટરપાર્કની જાડેના જ કોઈ સ્થળે દારૂની હેરફેરનું કેન્દ્ર આવેલું લાગે છે અને તેની તપાસ ચાલી રહી છે. આ સ્થળે જ માલ ઉતારીને ત્યાંથી સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવામાં આવતા હોવાનું પોલીસ માને છે.