રાજકોટના મેડિકલ આલમમાં ખળભળાટ મચાવનારો એક પત્ર સામે આવ્યો છે, જેમાં સરકારી ડાક્ટરોની ખાનગી હોસ્પિટલોમાં ગેરકાયદે પ્રેકટીસનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડા. દોશી નામના એક વ્યક્તિ દ્વારા લખાયેલા આ પત્રમાં ૧૯ જેટલા ડાક્ટરોના નામનો ઉલ્લેખ છે, જેઓ સરકારી પગાર લેવા છતાં ખાનગી હોસ્પિટલોમાં ફુલ-ટાઇમ પ્રેકટીસ કરીને લાખો રૂપિયાની કમાણી કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સરકારી તંત્ર અને મેડિકલ કોલેજના ઉચ્ચ અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે.
ડા. દોશીના પત્ર અનુસાર, આ ૧૯ ડાક્ટરો સરકારી હોસ્પિટલોમાં નોકરી કરે છે અને લાખો રૂપિયાનો પગાર લે છે, પરંતુ તેઓ માત્ર હાજરી પૂરાવીને ખાનગી હોસ્પિટલોમાં પ્રેકટીસ કરે છે. આ ડાક્ટરોમાં ઓર્થોપેડિક, રેડિયોલોજી, પેથોલોજી, મેડિસિન અને સર્જરી વિભાગના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ ડાક્ટરોના નામ અને ફોટા કેટલીક ખાનગી હોસ્પિટલોની વેબસાઇટ્‌સ પરથી પણ મળી આવ્યા છે, જે આ આક્ષેપોને વધુ મજબૂતી આપે છે.
પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ગેરકાયદે પ્રેકટીસ રાજકોટની સરકારી મેડિકલ કોલેજના ડીન ડા. ભારતી પટેલ અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડા. મોનાલી માકડિયાની રહેમનજર હેઠળ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક ડાક્ટરો સરકારી પગારનો ૫૦% હિસ્સો ઉચ્ચ અધિકારીઓને આપીને આ ગેરરીતિને અંજામ આપે છે. આ ડાક્ટરો સરકારી હોસ્પિટલોમાં નામના ખાતર હાજરી આપે છે અને બાકીનો સમય ખાનગી હોસ્પિટલોમાં પસાર કરે છે.