રંગીલા રાજકોટમાં એક અત્યંત શરમજનક અને ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એક રહેણાંક વિસ્તારમાં ૧૪ અને ૧૬ વર્ષના બે સગીરો સાથે છેલ્લા ત્રણ મહિનાથી અઘટિત કૃત્ય આચરવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે. આ હેવાનિયતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે અને બે આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓની ઓળખ જયેશ મજેઠીયા અને સંદીપ ઉર્ફે લાલા પટેલ તરીકે થઈ છે. આ બંને નરાધમો પર આરોપ છે કે તેઓએ શહેરની એક જાણીતી સ્કૂલની રહેણાંક ઇમારતમાં આ માસૂમ સગીરો સાથે વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. આ ઘટનાએ સમગ્ર શહેરમાં સનસની ફેલાવી દીધી છે.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિત સગીરોમાંથી એકની દાદીમાએ પોલીસમાં હિંમતપૂર્વક ફરિયાદ નોંધાવી. પોલીસના જણાવ્યા મુજબ, બંને પીડિત સગીરો મૂળ નેપાળના રહેવાસી છે અને રાજકોટમાં કામકાજ અર્થે આવ્યા હતા. આ સગીરો પાણીના કન્ટેનર ધોવાનું કામ કરતા હતા, જ્યાં તેમની મુલાકાત આ નરાધમો સાથે થઈ હતી. આરોપીઓ આ સગીરોને ધમકાવીને છેલ્લા ત્રણ મહિનાથી તેમનું શારીરિક શોષણ કરી રહ્યા હતા.
નરાધમોની ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે તેઓએ આ ઘૃણાસ્પદ કૃત્યનો વીડિયો પોતાના મોબાઈલમાં શૂટ કર્યો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ વીડિયો કઈ રીતે બહાર આવ્યો અને કોણે કોણે તેને આગળ શેર કર્યો છે.
રાજકોટ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમો સાથે અત્યંત કડક હેઠળ ગુનો નોંધ્યો છે. પીડિતો પાસે જન્મ પ્રમાણપત્ર ન હોવાથી સિવિલ હોસ્પિટલમાં તેમની મેડિકલ તપાસ કરાવી ઉંમરની પુષ્ટિ કરવામાં આવી છે.