રાજકોટ શહેરમાં પોંઝી સ્કીમના નામે મોટા કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ‘રુદ્રા ટ્રેડિંગ’ નામથી ચાલી રહેલી સ્કીમમાં રોકાણ કરનારા ૩૦૦થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે. ભોગ બનનાર લોકોએ મીડિયા સમક્ષ આવી સમગ્ર મામલો જાહેર કર્યો છે અને પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ આરોપીઓએ રોકાણકારોને દર મહિને આશરે ૫ ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને અનેક લોકોએ મોટી રકમ રોકાણ કરી હતી. શરૂઆતમાં થોડા સમય સુધી વળતર મળતા લોકોનો વિશ્વાસ વધ્યો હતો, પરંતુ પછી અચાનક સ્કીમ ચલાવનારા બે લોકો પૈસા લઈને ફરાર થઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ભોગ બનનાર લોકોના જણાવ્યા મુજબ આશરે ૩૦૦થી વધુ લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું. અંદાજે ૭૦થી ૮૦ કરોડ રૂપિયાની રકમ આ સ્કીમમાં ફસાઈ ગઈ હોવાનું કહેવામાં આવે છે.
આ મામલે પીડિત લોકોએ રાજકોટ પોલીસ કમિશનર અને ડીસીપી ક્રાઈમ સમક્ષ રજૂઆત કરી છે. ડી.સી.પી. ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
કેટલાક પીડિતોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓએ પૈસા પરત માગ્યા ત્યારે આરોપીઓ તરફથી ધમકીભર્યા સંદેશાઓ આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે અરજીના આધારે સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.