રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેતાં ફરી એકવાર નાગરિકો દહેશતમાં મુકાયા છે. જૂના માર્કેટિંગ યાર્ડ પાસે લુખ્ખા તત્વોએ બસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
માહિતી મુજબ, જૂનાગઢથી સુરત જતી ૬થી ૭ બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન એક બસ ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો. તેને તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પથ્થરમારા કારણે બસોમાં મુસાફરી કરતાં યાત્રીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ બનાવને કારણે જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તાર પાસે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. લોકો પોતાના વાહનો સાથે લાંબા સમય સુધી અટવાઈ રહ્યા હતા.પોલીસે ઘટનાની ગંભીરતા સમજતાં તપાસ હાથ ધરી છે અને પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોને ઝડપવા પ્રયાસો ચાલુ કરાયા.