શહેરના ભાયાવદર પોલીસ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસે બાલાજી મેડિકલ સ્ટોરની ઉપરની ઓફિસમાંથી એક ધમધમતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. તો સાથે જ મુખ્ય આરોપી દર્શક માકડીયા સહિત કુલ નવ જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. દર્શક સિવાયના ઝડપાયેલા આરોપીઓની ઉંમર ૧૯ વર્ષથી લઈ ૨૪ વર્ષ સુધીની હોવાનું સામે આવ્યું છે. તેમજ દર્શક દ્વારા ટેલી કોલિંગ કરવા માટે પ્રતિ વ્યક્તિને ૭,૦૦૦ ના માસિક પગારેથી કામકાજ માટે રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં દર્શક સાથે મુખ્ય સૂત્રધાર તરીકે મૂળ ભાયાવદરનો વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતો કિશન હોવાનું સામે આવ્યું છે. ત્યારે દવાના મેન્યુફેક્ચરિંગ તેમજ ડિલિવરી સહિતની જવાબદારી કિશન સંભાળતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે, કોલ સેન્ટર સહિતની જવાબદારી દર્શક માકડીયા સંભાળતો હોવાનું સામે આવ્યું છે.શુક્રવારના રોજ રાજકોટ ગ્રામ્યના ભાયાવદર પોલીસને ચોક્કસ રાહેથી હકીકત મળી હતી કે, ભાયાવદર શહેર ખાતે સરદાર ચોક પાસે બાલાજી મેડિકલ સ્ટોરની ઉપર આવેલી ઓફિસમાં એક કોલ સેન્ટર ચાલી રહ્યું છે. જે કોલ સેન્ટરના માધ્યમથી ગ્રાહકોને લલચાવી ફોસલાવીને સેક્સ સ્ટેમિના વધારવા માટેની તેમજ વજન ઘટાડવાની અને ડાયાબિટીસની આયુર્વેદિક પ્રોડક્ટ વેચવામાં આવી રહી છે. તેમજ વેચાણ કરનારા વ્યક્તિઓ પોતાની ઓળખ ડોક્ટર તેમજ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે આપી રહ્યા છે. તેમજ જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તેના વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ પોલીસ સ્ટેશનમાં કેસ કરવાની અને તેમની પ્રાઇવેસી ભંગ કરીને તેમને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હોવાની માહિતી મળી હતી. ત્યારે સમગ્ર મામલે શુક્રવારના રોજ ભાયાવદર પોલીસ દ્વારા સાંજના ચાર વાગ્યા આસપાસ કોલ સેન્ટર ખાતે રેડ કરવામાં આવી હતી. જે રેડ દરમિયાન પોલીસે જુદા જુદા પ્રકારની ૬૮,૫૭૨ રૂપિયાની કિંમતની આયુર્વેદિક દવાઓ. તેમજ ૧,૯૦,૦૦૦ રૂપિયાની કિંમતના લેપટોપ તેમજ કોમ્પ્યુટર કબજે કરવામાં આવ્યા છે. તો સાથે જ ૧,૩૧,૦૦૦ રૂપિયાની કિંમતના ૧૩ જેટલા મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ ૩,૯૬,૯૭૨ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસ ની કલમ ૩૦૮ (૨), ૩૧૮ (૪), ૩૧૯, ૩૫૧ (૪), ૩(૫) તેમજ આઇટી એક્ટની કલમ ૬૬ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટીસના એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી કેટલીક દવાઓ ટેબલેટના સ્વરૂપે તેમજ કેટલીક દવાઓ પાવડર ફોર્મ તેમજ જેલ ફોર્મમાં કબજે કરવામાં આવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ૨૭ વર્ષીય દર્શક માકડીયા કોલ સેન્ટર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દર્શક માકડીયા અગાઉ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. તેમજ અગાઉ ભાયાવદર ખાતે રહેતા કિશન દ્વારા પોતાના મિત્ર દર્શકને આઈડિયા આપવામાં આવ્યો હતો કે, માર્કેટમાં સેક્સ સ્ટેમિના વધારવા માટેની ગોળીઓની બોલબાલા ચાલી રહી છે. તેમજ તે પ્રકારની ગોળીઓના વેચાણમાં મોટો ફાયદો પહોંચી શકે તેમ છે. ત્યારબાદ બંને મિત્રો દ્વારા સેક્સ સ્ટેમિના વધારવા બાબતેની ગોળીઓનું વેચાણ કઈ રીતે કરી શકાય? તેમજ કઈ રીતે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ટાર્ગેટ કરી શકાય તે બાબતે પ્લાન બનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ના માધ્યમથી એડવર્ટાઈઝમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે એડવર્ટાઈઝમેન્ટ ઉપર કોઈ વ્યક્તિ ક્લિક કરતા એક ફોર્મ ખૂલતું હતું. જેમાં જે તે વ્યક્તિએ પોતાની વિગતો સબમિટ કરવાની રહેતી હતી. ત્યારે તમામ વિગતો સબમિટ થઈ ગયા બાદ દર્શક અને તેમની ટીમ દ્વારા જે તે વ્યક્તિનો સંપર્ક કરવામાં આવતો હતો. તેમજ ઓર્ડર કન્ફર્મ થઈ ગયા બાદ તેની માહિતી કિશનને મોકલી આપવામાં આવતી હતી. તેમજ ત્યારબાદ કિશન દ્વારા જે તે વ્યક્તિને દવાની ડિલિવરી પહોંચાડવામાં આવતી હતી. તેમજ ડિલિવરી કરતા સમયે પેમેન્ટ પણ ત્યારે જ લેવામાં આવતું હતું. તેમજ જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તેને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમજ તેની પ્રાઇવેટ માહિતી જાહેર કરીને સમાજમાં તેની બદનામી કરી નાખવામાં આવશે તે પ્રકારની ધમકી આપી બ્લેકમેલિંગ પણ કરવામાં આવતા હતા. આરોપીઓ ૧૨૦ રૂ.ની કિંમતની દવા ૧૨૦૦ રૂપિયામાં વેચાણ કરી મસમોટી કમાણી કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ રાજકોટ ગ્રામ્યના ભાયાવદર પોલીસની એક ટીમ દ્વારા અમદાવાદ ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ મુખ્ય સૂત્રધાર પૈકીના એક એવા કિશનની શોધખોળ પણ ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કિશન અમદાવાદની કોઈ દવાની કંપનીમાં કામકાજ કરતો હોવાનું પણ હાલ સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ દવા આરોગ્ય વિભાગ તેમજ એફએસએલને મોકલવાની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે દવામાં લખેલા કન્ટેનમાં કોઈ વિસંગતતા છે કે કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.









































