રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક મોટું નિવેદન આપ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા યુદ્ધવિરામ માટે ‘વધુ તૈયાર’ લાગે છે. તેમણે કહ્યું કે યુક્રેન અને અમેરિકાએ સંભવિત કરાર અંગે મોસ્કો દ્વારા ગેરમાર્ગે દોરવું જાઈએ નહીં. ઝેલેન્સકીએ કહ્યું, “યુક્રેન ચોક્કસપણે તેની સ્વતંત્રતાનું રક્ષણ કરશે. આપણે બધાને
એક સ્થાયી અને વિશ્વસનીય શાંતિની જરૂર છે. રશિયાએ પોતે શરૂ કરેલા યુદ્ધનો અંત લાવવો જાઈએ.
આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયન નેતા વ્લાદિમીર પુતિન સાથે તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફની બેઠકમાં “નોંધપાત્ર પ્રગતિ” થઈ છે. ટ્રમ્પે આ બાબતે કોઈ ચોક્કસ માહિતી આપી નથી. બેઠક પછી, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી, જેમાં યુરોપિયન સાથીઓ પણ હાજર રહ્યા હતા.
જાવા જેવું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રશિયા તરફથી હુમલાઓ વધી ગયા છે. મંગળવાર અને બુધવારે રાત્રે, રશિયન સૈનિકોએ યુક્રેનના દક્ષિણ ઝાપોરિઝિયા પ્રદેશ પર હુમલો કર્યો, જેમાં બે લોકો માર્યા ગયા અને ૧૨ ઘાયલ થયા. આ હુમલા અંગે, ઝેલેન્સકીએ કહ્યું હતું કે આ ફક્ત ડરાવવા માટે કરવામાં આવતી ક્રૂરતા છે.
આ દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક મોટો દાવો કરીને સનસનાટી મચાવી હતી. ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે યુક્રેન સામેના યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકો રશિયા વતી લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘અમારા સૈનિકો અહેવાલ આપી રહ્યા છે કે ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન અને આફ્રિકન દેશોના ભાડૂતી સૈનિકો યુદ્ધમાં ભાગ લઈ રહ્યા છે. અમે આનો જવાબ આપીશું.’