ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર ઉલ્લાસ અને ઉજવણી સુધી સીમિત નથી, પરંતુ તેઓ આપણા જીવનમાં ઊંડા હેતુ અને સંદેશ લઈને આવે છે. દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવાતો આવો જ એક પારિવારિક પવિત્ર બંધન અને સામાજિક સમરસતાના પ્રતીક સમો રક્ષાબંધનનો તહેવાર હમણાં આ અઠવાડિયામાં આવી રહ્યો છે, જે ભાઈ-બહેનના પ્રેમ, સમર્પણ અને રક્ષાના અદભૂત બંધનનું પ્રતિબિંબ બની ઉભો છે. “રક્ષા” એટલે સુરક્ષા અને “બંધન” એટલે સંબંધ; રક્ષાબંધન એટલે એવી દોરી, જેમાં બન્ને વચ્ચે વિશ્વાસ, ભાવના અને જવાબદારીનું સંમિશ્રણ હોય છે. આ તહેવારનો ઇતિહાસ અને કથાપ્રસંગ જોઈએ તો રક્ષાબંધનની પૌરાણિક વ્યાખ્યા અનેક કથાઓમાં જોવા મળે છે. મહાભારતના પ્રસંગમાં, જ્યારે દ્રૌપદીએ સુદર્શન ચક્રથી ઘાયલ થયેલી શ્રીકૃષ્ણના હાથની આંગળી પર પોતાની સાડીનો પલ્લુ બાંધીને વહેતું રક્ત બંધ કરેલું, ત્યારે કૃષ્ણે વચન આપ્યું કે “બેન હું તારી રક્ષા કરીશ.” તે પ્રસંગમાં પરસ્પર ભક્તિ, પ્રેમ અને રક્ષાનું ઉત્તરદાયિત્વ સ્પષ્ટ થાય છે. બીજી તરફ, રાજકીય દ્રષ્ટાંત તરીકે રાણી કર્ણાવતી દ્વારા મુગલ નેતા હુમાયૂંને મોકલવામાં આવેલી રાખડી એ સામાજિક અને રાજકીય સ્તરે બહેનોની શક્તિ તથા સહકારનું ઉચ્ચતમ સ્વરૂપ દર્શાવે છે. દરિયાકાંઠે વસતા માછીમાર સમાજના લોકો સમુદ્રના દેવતા “વરૂણ દેવ”નું પૂજન કરે છે. આ પૂજામાં નાળિયેર ચઢાવવામાં આવે છે, જે સામુદ્રિક જીવન માટે સુરક્ષા અને
કૃપા માટે પ્રાર્થના હોય છે. અને આ પૂનમ પછી તેઓ નવતર માછીમારીની મૌસમ શરૂ કરે છે. આમ પૌરાણિક કાળથી ચાલી આવતી પરંપરા મુજબ ઉજવાતા રક્ષાબંધનના દિવસે વહેલી સવારે દરેક ઘરમાં પવિત્ર વાતાવરણ સર્જાય છે. પ્રથમ પૂજાની થાળીમાં કંકુ ચોખાથી ચાંદલો કરીને બહેનો ભાઈઓની મંગલ કામના સાથે તેમના હાથ પર રાખડી બાંધે છે જેથી ભાઈઓ પોતાની બહેનની રક્ષા કરવાની વચનબદ્ધતા આપે છે. ભાઈ તેની વહાલી બહેનને માત્ર ભેટ નહીં પણ જીવનભર તેના સુખ -દુઃખમાં સાથ આપવાનો સંકલ્પ રાખે છે. ઘરમાં રંગોળી, મીઠાઈ, ફૂલ અને સુગંધિત દીવાનું સુશોભન ભાવનાને વધુ પ્રગાઢ કરે છે. આધુનિક સમયમાં જ્યારે પરિવારો જગતના જુદા જુદા ભાગમાં દૂર દૂર વસે છે, ત્યારે રક્ષાબંધન પણ ટેક્નોલોજીના માધ્યમ દ્વારા જીવંત રહે છે. ઓનલાઇન રાખડી મોકલવાથી માંડીને, મિત્રો-સગાસંબંધીઓ સાથે વીડિયો કોલથી વાત, સોશ્યલ મીડિયામાં સ્ટેટસ અને ડી.પી.માં રક્ષાબંધનની શુભેચ્છાઓ મૂકીને પણ તહેવારની ખુશી વહેંચે છે. આમ ભાઈ બહેન વચ્ચે અંતર ભલે વિશાળ હોય, પરંતુ એક નાજુક દોરી એમને નજીક રાખી શકે છે. આ તહેવારનું સામાજિક મહત્વ જોઈએ તો તહેવાર હવે માત્ર કુટુંબ પૂરતો સીમિત નથી રહ્યો. આ અંગે અનેક જાહેર અને વ્યવસાયિક ક્ષેત્રની મહિલાઓ પોલીસ અધિકારીઓ, સૈનિકો, ડોક્ટરો, સ્વયંસેવકોને પણ રાખડી બાંધીને તેમના રક્ષણકાર્ય માટે આભાર વ્યક્ત કરે છે. આથી આ બધા લોકોમાં વધુ ઉત્સાહ અને જુસ્સાથી કામ કરવાની એક સામાજિક અને નૈતિક જવાબદારી વધે છે. એ રીતે રક્ષાબંધન એ વ્યક્તિગત સંબંધો ઉપરાંત સમાજમાં એકબીજાની કાળજી અને રક્ષણની માન્યતાના પ્રતીક સાથે સામાજિક ઉત્તરદાયિત્વનો સંદેશ આપે છે. નિષ્કર્ષ રૂપે રક્ષાબંધન એ માત્ર ચિલાચાલુ દિવસ નથી, પરંતુ લાગણીઓ, જવાબદારી અને પરસ્પર સહકારનો સંવાદ છે. રાખડી આપણને યાદ અપાવે છે કે સ્નેહ હોય તો સામે જવાબદારી પણ હોય, અને ભાઈ-બહેનનો સંબંધ એ જીવનભર ચાલનાર એક અનમોલ અને અતૂટ સબંધ છે. જે “એક નાજુક દોરીમાં જોડાયેલ સદીઓની પરંપરા છે, એ જ રક્ષાબંધનનો મહિમા છે.
રક્ષાબંધનની શુભેચ્છાઓ….