બટુકો (સગીર વિદ્યાર્થીઓ) ના યૌન શોષણના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટી રાહત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે તેમની ધરપકડ પર વચગાળાની રોક લગાવી દીધી છે. આ નિર્ણય બાદ શંકરાચાર્યના મઠમાં ઉજવણીનો માહોલ જાવા મળ્યો હતો.
જસ્ટીસ જિતેન્દ્ર કુમાર સિંહાની બેન્ચ સમક્ષ આગોતરા જામીન અરજી પર મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે અને હવે વધુ સુનાવણી માર્ચના ત્રીજા સપ્તાહમાં નિર્ધારિત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન રાજ્ય સરકારના વકીલે જામીનનો સખત વિરોધ કરતા દલીલ કરી હતી કે શંકરાચાર્ય ખૂબ જ શકિતશાળી અને પ્રભાવશાળી વ્યકિત હોવાથી જા તેમને જામીન આપવામાં આવશે તો તેઓ તપાસની પ્રક્રિયા અને કેસના પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે. તેની સામે બચાવ પક્ષ એટલે કે શંકરાચાર્યના વકીલે પાયા વિહોણા આક્ષેપો ગણાવતા જણાવ્યું હતું કે આ સમગ્ર કેસ એક પ્રતિષ્ઠિત ધર્મગુરુને બદનામ કરવાનું અને તેમની છબી ખરડવાનું એક મોટું ષડયંત્ર છે.
સુનાવણી પૂર્વે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કાશીમાં સ્પષ્ટતા કરી હતી કે, સત્ય બહાર લાવવા માટે જા નાર્કો-ટેસ્ટની જરૂર પડશે તો તેઓ એના માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, “જૂઠાણું લાંબુ ચાલતું નથી, અમે તમામ પુરાવા રજૂ કરીશું. જા જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવીશું.”
આ વિવાદની શરૂઆત પ્રયાગરાજના માઘ મેળાથી થઈ હતી, જ્યાં ૧૮ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય અને વહીવટીતંત્ર વચ્ચે સંઘર્ષ થયો હતો. ત્યારબાદ ૨૪ જાન્યુઆરીએ જગદગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ મહારાજે પોલીસ કમિશનરને સગીર બાળકોના યૌન શોષણ અંગે ગંભીર ફરિયાદ કરી હતી. આ મામલે ૧૩ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બાળકોને રજૂ કરી કેમેરા સમક્ષ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જેના આધારે ૨૧ ફેબ્રુઆરીએ કોર્ટના આદેશથી ઝુંસી પોલીસ સ્ટેશનમાં શંકરાચાર્ય, તેમના શિષ્ય મુકુંદાનંદ ગિરી અને અન્ય લોકો સામે એફઆઇઆર નોંધાઈ હતી.
૨૪ ફેબ્રુઆરીએ શંકરાચાર્યે પોલીસ અધિકારી અજય પાલ શર્મા પર કાવતરાનો આરોપ લગાવી હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ ૨૬ ફેબ્રુઆરીએ બાળકોનો મેડિકલ રિપોર્ટ સામે આવતા અને એક પીડિત બાળકે મીડિયા સમક્ષ આવીને પોતાનું શોષણ થયું હોવાનું જણાવતા આ સમગ્ર પ્રકરણમાં પોલીસ સૂત્રોના મતે ખરાબ કૃત્યની પુષ્ટિ થઈ છે.
શંકરાચાર્યના વકીલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે શંકરાચાર્યના વકીલ શ્રીનાથ ત્રિપાઠીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જાકે, પોલીસે ગણતરીના ૨૦ કલાકમાં જ વારાણસીમાંથી અજીત નામના કાયદાના વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે પોતાના પાડોશીને ફસાવવા માટે આ મેસેજ કર્યો હતો.